વેરાવળ
વેરાવળ તાલુકાના ઉબા ગામે આવેલા પ્રાચીન ૐ નાથ મહાદેવ મંદિરે યોજાયેલા સંતસમાગમમાં 250 જેટલા સંતોએ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. સંતોએ સરકાર પાસે કડક પગલાં લેવાની માગણી કરી છે.
લાલદાસ બાપુ, ફરારી બાપુ અને કિશોરદાસ બાપુના ભંડારા નિમિત્તે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંતસમાગમમાં કેટલાક અખાડાના સંતો હાથી સાથે પધાર્યા હતા. કથાકાર રામેશ્વર બાપુ હરિયાણીએ જણાવ્યું કે, કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યા સામે સંતો તન, મન અને ધનથી સાથે છે. કાર્યક્રમ દરમિયાન મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું.
કથાકાર રામેશ્વર બાપુએ જણાવ્યું કે આ પ્રાચીન ભૂમિ પર ૐ નાથ મહાદેવ અને પ્રાચીન સૂર્ય મંદિર આવેલા છે. અહીં 25થી વધુ ગામોના લોકો રોજ કથા શ્રવણ કરવા આવે છે. રોજ 10થી 12 હજાર લોકો પ્રસાદીનો લાભ લે છે. કથા દરમિયાન દરરોજ રાત્રે સંતવાણીના કાર્યક્રમનું આયોજન થાય છે.
સંતસમાગમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કથાકાર રામેશ્વર બાપુ અને સરમણભાઈ સોલંકીએ તમામનું સન્માન કર્યું હતું અને આગેવાનો આરતીમાં જોડાયા હતા.




