ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા

Spread the love

 

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૭ વર્ષની બાળકી પર રેપ અને હત્યાના આરોપીને ડબલ ફાંસીની સજા
….
આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે: મંત્રી શ્રી હર્ષ સંઘવી
….

 

ખંભાત

આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ વિરુદ્ધ દોઢ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આજે, ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી, ડબલ ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જે પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા સાથે સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે કડક સંદેશ આપે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર, શોષણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. રાજ્ય સરકાર આવા ગુનેગારોને ટૂંકા સમયગાળામાં કડકમાં કડક સજા મળે તે માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ચુકાદો ગુજરાતમાં આવા ગુનાઓને કોઈપણ રીતે સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપે છે.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે, તેમણે ન્યાયતંત્રનો આભાર માન્યો છે, જેમણે આ ગંભીર ગુનામાં ન્યાયની ઝડપી અને નિષ્પક્ષ પ્રક્રિયા દ્વારા ચુકાદો આપ્યો.

આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે તેમ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ છે.
…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *