
અમરેલી જિલ્લાના બાબરા-અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. ટેન્કર પલટી મારી જતાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગમાં મોટાભાગનું ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ટેન્કર ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું, આગ કેવી રીતે લાગી, મૃતક ચાલકની ઓળખ અને ટેન્કરની માલિકી અંગેની વિગતો મેળવવા માટે પોલીસે ટેન્કરના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.