
અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 59 જેટલાં ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે. 10 JCB અને 10 ટ્રેક્ટરો સહિતનાં યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી થઇ રહી છે. જેમાં 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરીમાં આઠ અસામાજિક તત્ત્વોનાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં છે.
બીજી તરફ અમદાવાદના ચંડોળા ખાતે ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી થઈ રહી છે. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 29 એપ્રિલની સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. જે દિવસ દરમિયાન કામગીરી ચાલી હતી. ત્યારે આજે સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ફરીથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી આજે 30 એપ્રિલ અને આવતીકાલે 1 મે એમ બે દિવસ ચાલશે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
ઝુબેદાબેન વસેંગાએ દર્દભરી લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે, અમે શું ખોટું કર્યું કે તાત્કાલિક નોટિસ આપી અમારા ઘરો ખાલી કરાવી દેવામાં આવ્યા? અમારું સંસારીક જીવન છીનવી લેવામાં આવ્યું છે અને આજે આખો પરિવાર રસ્તા પર છે. અમારા બાળકો હાલ ભણવા જાય છે, ભવિષ્ય ઘડવાના પ્રયાસમાં છે પણ હવે તેઓ શિક્ષણથી વંચિત થઈ રસ્તા પર રખડવા મજબૂર છે.
તેમણે આગળ કહ્યું કે, સરકાર બેટી બચાવો, બેટી પઢાવોની વાત કરે છે, પરંતુ આજે મારી બેટી રસ્તા પર છે. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમને રહેવા માટે અનુકૂળ સ્થળ આપો. અમે સદભાવથી જમીન સરકારને આપવા તૈયાર છીએ. અમને માત્ર જીવવા માટે ઘરની જરૂર છે. છેલ્લા બે દિવસથી ભોજન પણ મળ્યું નથી અને આજ સુધી કોઈ જવાબદાર અધિકારી અમારી સ્થિતિ જાણવા આવેલો નથી.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસીયાએ જણાવ્યું કે, આ સમગ્ર કામગીરી તંત્ર દ્વારા એક વિચારી-વિમર્શી યોજના હેઠળ અમલમાં મૂકાશે તે રીતે શરૂ કરવામાં આવી છે. ધારાગઢ વિસ્તારમાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલી રહ્યો હતો. આ જમીન શહેરના સિટી સર્વે નં. 1484 હેઠળ આવે છે. તંત્રે અગાઉ દબાણકારોને નોટિસ પાઠવી હતી અને દસ્તાવેજો રજૂ કરવાની પુરતી તક પણ આપવામાં આવી હતી. પરંતુ દબાણકારો દ્વારા કોઈ અધિકૃત કાગળો રજૂ નહોતા કરાયા, જેના કારણે કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અનિલ રાણાએ વધુમાં જણાવ્યું કે, આ ઝુંબેશ માત્ર જમીન મુક્ત કરવા માટેની નથી, પણ સમાજમાં કાયદાનું પાલન અને હક્ક અને ન્યાયની ભાળ સ્થાપિત કરવા માટેની એક નમ્ર અને દૃઢ પ્રયાસ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ વિસ્તારમાં કેટલાંક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અસામાજિક તત્વો માટે હાલનું તંત્ર શૂન્ય સહનશીલતાની નીતિ રાખે છે અને આવા તત્વો વિરુદ્ધ આગળ પણ કડક પગલાં લેવાશે.
મેગા ડિમોલિશનની આ કામગીરીમાં કોઇ અનિચ્છીય બનાવ ન બને એના માટે 3 DySP, 9 PI, 26 PSI સહિત 260 પોલીસ જવાનો સહિત 400થી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા, દૂરબીન અને વોકી-ટોકીથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત PGVCL, આરોગ્ય શાખા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર છે.
આ અંગે જિલ્લા અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે કે, આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયા હતાં. તંત્રએ અગાઉથી સત્તાવાર નોટિસ પાઠવી હતી અને મકાનમાલિકોને પોતાનો દાવો પુરવાર કરવાનો સમય આપવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં આજે 59 મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે. વહીવટી દસ્તાવેજોમાં સ્પષ્ટ છે કે આ જમીન સરકારની માલિકીની છે. આવનારા સમયમાં શેષ દબાણો સામે પણ કાયદેસર પ્રક્રિયા મુજબ જ કાર્યવાહીની તૈયારી છે અને કોઈપણ પ્રકારની જાતિ ભેદભાવ કે અન્યાય વગર કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે DySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ઉપરકોટ વિસ્તાર નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં ગેરકાયેદસર દબાણો હતા એને દુર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત છે. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી થઇ રહી છે. જે દબાણો દુર કરવામાં આવ્યા છે, જેમાં આઠ જેટલા અસામાજિક તત્વો પણ સંડોવાયેલા છે. તેમના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે.
જૂનાનગઢ મનપાની ડિમોલિશનની કામગીરી દરમિયાન અનેક પરિવારો પોતાના ઘર તૂટી જતા ભાવવિહ્વળ થઈ ગયા છે. ઘણા લોકોએ રડત તંત્ર સામે વેદનાભર્યા શબ્દોમાં રોષ વ્યક્ત કરતા હોવાના દૃશ્યો સર્જાયા છે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, હું અહીં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરું છું. વીજળી અને પાણીના બિલ નિયમિત ચૂકવીએ છીએ. અમારું ઘર કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયું તે અમને સમજાતું નથી. હવે અમે ઘર વગર ક્યાં જઈશું?