
અખાત્રીજના પવિત્ર દિવસે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીની શુભ શરૂઆત કરી છે. આ દિવસને વણજોયા મુહૂર્તનો દિવસ માનવામાં આવે છે. ખેડૂતોએ ટ્રેક્ટર અને ખેતીના ઓજારોની પૂજા પરિવારની દીકરીઓના હસ્તે કરાવી હતી. તો નાનીચંદુર ગ્રામજનો એકસાથે મળીને અખાત્રીજનું મુહૂર્ત કર્યુ હતું. ખેડૂતોએ ટ્રેક્ટરને કુમકુમ તિલક કરી, લાલ નાડાછડી બાંધી અને શ્રીફળ વધેર્યું હતું. ઉગમણી દિશા તરફ ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી અને ગોળ-ધાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહેલાના સમયમાં હળ અને બળદથી ખેતી થતી હતી, પરંતુ આધુનિક સમયમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે છે. ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી ઉતારી હતી. આવનારું વર્ષ સફળ રહે અને કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખેડૂત પરિવારોમાં અખાત્રીજના દિવસે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે. વાવેતર કરેલા પાકનો સારો ઉતારો મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી.