કેન્દ્ર સરકાર જાતિ વસતિગણતરી કરાવશે, મૂળ વસતિગણતરીની સાથે જ થશે

Spread the love

કેન્દ્ર સરકાર જાતિ વસતિગણતરી કરાવશે. આ નિર્ણય બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે જાતિ વસતિગણતરી, મૂળ વસતિગણતરીમાં જ સામેલ થશે. વસતિગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે. એને પૂર્ણ થવામાં ઓછામાં ઓછાં 2 વર્ષ લાગશે. આમ, જો સપ્ટેમ્બરમાં પણ વસતિગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2026ના અંત કે 2027ની શરૂઆતમાં આવશે.
સરકારે શું કહ્યું? કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું, ‘1947થી જાતિ વસતિગણતરી કરવામાં આવી નથી. મનમોહન સિંહે જાતિ વસતિગણતરીની વાત કરી હતી. કોંગ્રેસે જાતિ વસતિગણતરીની વાતનો માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો છે. જાતિ વસતિગણતરી માત્ર કેન્દ્રનો વિષય છે. કેટલાંક રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું છે. 2021માં વસતિગણતરીને કોવિડ-19 મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. વસતિગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આની સાથે જ વસતિગણતરીનું ચક્ર પણ બદલાઈ ગયું છે, એટલે કે આગલી વસતિગણતરી 2035માં થશે.
કેબિનેટના અન્ય 2 મોટા નિર્ણયો: 1. શિલોંગથી સિલચર (મેઘાલય-આસામ) હાઈસ્પીડ કોરિડોર બનશે. આ 166 કિમીનો અને 6 લેનનો રહેશે. ઉત્તરપૂર્વ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આમાં 22 હજાર 864 કરોડનો ખર્ચ આવશે. 2. સરકારે 2025-26 માટે શેરડીની ફેર અને રિમ્યુનરેટિવ (યોગ્ય અને વળતર સંબંધિત) કિંમતો નક્કી કરી છે. આમાં શેરડીની કિંમત 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ માનક કિંમત છે, આનાથી નીચી કિંમતે શેરડી ખરીદી શકાશે નહીં.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 9 એપ્રિલે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં તિરુપતિથી કટપડી સુધીની 104 કિમીની સિંગલ રેલવેલાઈનને ડબલ લાઈનમાં બદલવામાં આવશે. આમાં આશરે 1332 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આનાથી આંધ્રપ્રદેશના તિરુમલા વેંકટેશ્વર મંદિર સુધીની કનેક્ટિવિટી વધવાની સાથે જ અન્ય મુખ્ય સ્થળો, જેવાં કે શ્રી કાલહસ્તી શિવ મંદિર, કનિપકમ વિનાયક મંદિર, ચંદ્રગિરિ કિલ્લા વગેરે સુધી પણ રેલ કનેક્ટિવિટી થઈ શકશે.
કેન્દ્રીય કેબિનેટે 16 જાન્યુઆરીની બેઠકમાં આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપી હતી. પંચની ભલામણો 2026થી લાગુ થશે. આ માહિતી કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી. તેમણે કહ્યું – સાતમું પગારપંચ 2016માં લાગુ થયું હતું, તેની ભલામણો 2026 સુધી ચાલુ રહેશે.
7મું પગારપંચ (પે-કમિશન) 1 જાન્યુઆરી, 2016થી લાગુ થયું હતું. એનાથી લગભગ 1 કરોડ લોકોને લાભ થયો હતો. પગારપંચ દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. આશા છે કે મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગારપંચ લાગુ કરશે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર અને પેન્શન વધશે.
આ ઉપરાંત વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના રોકેટ લોન્ચિંગ સેન્ટરમાં ત્રીજું લોન્ચ પેડ બનાવશે. આ 3985 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આ નિર્ણયથી ન્યૂ જનરેશન લોન્ચ વ્હીકલ પ્રોગ્રામને આગળ વધારવામાં મદદ મળશે. અહીંથી ચંદ્રયાન અને મંગળયાન જેવા ઐતિહાસિક મિશન લોન્ચ થયા છે.
કેન્દ્ર સરકારે વર્ષના પ્રથમ દિવસે ખેડૂતો માટે મોટા નિર્ણયો લીધા હતા. 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને હવામાન આધારિત ફસલ વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, સાથે જ ફર્ટિલાઇઝર પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. DAP ખાતરની 50 કિલોગ્રામની બેગ પહેલાંની જેમ 1350 રૂપિયામાં મળતી રહેશે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 85 કેન્દ્રીય વિદ્યાલય (KV), 28 નવોદય વિદ્યાલય (NV) અને દિલ્હી મેટ્રોના રિઠાલા-કુંડલી કોરિડોરના નિર્માણને મંજૂરી આપવામાં આવી. માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું – નવોદય વિદ્યાલય એ જિલ્લાઓમાં બનશે, જે અત્યારસુધી નવોદય વિદ્યાલય સ્કીમમાં નહોતા. નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે PM શ્રી સ્કૂલ યોજના લાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *