આગામી ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં વોટર લોગીંગની સમસ્યા ઉભી થાય નહી તે માટે ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીઓને વરસાદી પાણી ભરાય નહી તેની કાર્યવાહી કરવાની સુચના આપી છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના રોડ, રસ્તા, નાળા અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનો સરપંચ તેમજ તલાટીને સુચના આપી છે.
ચાલુ વર્ષે ચોમાસું સારૂ રહેવાને કારણે વરસાદ સારો થવાથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાથી સ્થાનિક લોકોને પારવાર હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વોટર લોગીંગની સ્થિતિ ઉભી થાય નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની સુચના આપી છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વધારે માત્રામાં વરસાદી પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાં રીચાર્જ વેલ બનાવવાની યોજના લાવવામાં આવી છે. ઉપરાંત રોડ, રસ્તા, નાળા અને ખેતરોમાં ભરાતા પાણીથી ખેડુતોને પાકનું નુકશાન વેઠવાની ફરજ પડતી હોય છે.
વરસાદી પાણી ભરાવાથી નિચાણવાળા વિસ્તારના લોકોને ઘરમાં પાણી ભરાઇ જવાના પ્રશ્નો ઉભા થતાં હોય છે. ત્યારે આવી પરિસ્થિતિનું આગામી ચોમાસાની ઋતુમાં પુનરાવર્તન થાય નહી તે માટે ખાસ તકેદારી રાખવા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીઓને સુચના આપી છે. તેમાં ગામમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ રહે છે તેનો સર્વે કરીને વરસાદી પાણી ભરાઇ રહે નહી અને તેનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની સુચના આપી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ગામમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નક્કર કામગીરી કરવામાં આવે છે કે નહી. ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બનતી હોય છે. ત્યારે નાગિરકોને સમસ્યા ન પડે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા સરપંચ અને તલાટીને આદેશ આપવામાં આવ્યા છે.