કોબા ગામની સરકારી પ્રાથમિક શાળા પાંચેક દાયકા જૂની હોવાથી તેને તોડીને રૂપિયા 2.50 કરોડના ખર્ચે જી+2 નવીન બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. શાળાના આ નવા બિલ્ડીંગમાં દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ અને અલગ શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વધુમાં દરેક ફ્લોર ઉપર ચાર ચાર વર્ગખંડોની સાથે સાથે ત્રણ ત્રણ શૌચાલયોની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આથી શાળાના નવિન બિલ્ડીંગમાં નવા શૈક્ષણિક સત્રથી શૈક્ષણિક કાર્ય શરુ કરાશે.
ગાંધીનગર મહાનગર વિસ્તારમાં આવેલા કોબા ગામની સરકારી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ પાંચેક દાયકા જૂનુ હોવાથી જર્જરીત થઇ જવાની સાથે સાથે ચોમાસામાં ધાબામાંથી પાણી પડવું સહિતની અનેક સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં પારાવારની હાલાકી વેઠવાની ફરજ પડતી હતી. ત્યારે શાળાના જર્જરીત મકાન તોડી પાડવા માટે જિલ્લાના શિક્ષણતંત્રને લેખિતમાં જાણ કરતા એન્જિનીયરો દ્વારા તપાસ કરીને તેને તોડી પાડવામાં આવ્યું હતું. શાળાના નવીન મકાનના નિર્માણ માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
આ ગ્રાન્ટમાંથી કોબાની સરકારી પ્રાથમિક શાળાનું જી+2 નવીન મકાન બનાવવામાં આવ્યું છે. મકાનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રેમ્પ અને બ્રેઇન લિપિના સાઇન બોર્ડ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રિસોર્સ રૂમ બનાવવામાં આવ્યો છે. શાળાના દરેક મજલે 4-4 વર્ગખંડોની સાથે સાથે કુમાર અને કન્યા માટે અલગ અલગ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. નવીન મકાનમાં હવા ઉજાસ રહે તે માટે દરેક રૂમમાં બે દરવાજા, 4 બારીઓની સાથે સાથે સુવિધા માટે બે દિવાલ કબાટ, ગ્રીન બોર્ડ અને નોટીસ બોર્ડની સુવિધા ઉભી કરાઇ છે.
શાળાના નવીન મકાનમાં 15 કોમ્પ્યુટર ધરાવતી આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ લાઇબ્રેરીની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટીની સુવિધાની સાથે સાથે પર્યાવરણીય સુરક્ષા માટે કમ્પોસ્ટ પીટ અને વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે 150 ફુટનો રિચાર્જ વેલ બનાવવામાં આવ્યો છે. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓને બેસવા માટે બેઠક વ્યવસ્થા અને રમતનું મેદાન છે.