ગુજરાતના બાર એસોસિએશનમાં 30% મહિલા વકીલો માટે અનામત,
ખજાનચીની પોસ્ટ તેમજ એક્ઝિક્યુટિવ કમિટીની 30% પોસ્ટ્સ અનામત,
અમદાવાદના વકીલ મીના જગતાપે સુપ્રિમમાં કરી હતી અરજી

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ સૂર્યકાંત અને એન.કોટિસ્વર સિંહની બેંચે આ હુકમ પસાર કર્યો હતો કે ગુજરાત હાઇકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ખજાનચીની પોસ્ટ અને એક્ઝાક્યુટિવ કમિટીમાં કુલ 30 ટકા જગ્યા મહિલાઓએ માટે અનામત રહેશે. અરજદાર તરીકે એડવોકેટ મીના જગતાપે મહિલા વકીલો માટે માત્ર બાર એસોસિએશનોના સંબંધમાં જ નહીં, પણ ગુજરાતની બાર કાઉન્સિલના સંબંધમાં અનામત માંગી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, તે પછીના તબક્કે તમામ સ્ટેટ બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સંદર્ભમાં આ મુદ્દા પર વિચાર કરશે.
અરજદારે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન, ગુજરાતના ડીસ્ટ્રીક બાર એસોસિએશન તેમજ ગુજરાત બાર કાઉન્સિલમાં મહિલાઓ માટે 33% અનામતની માંગ કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ સમાનતાનો હક આપે છે. તેમ છતાં ઉપરોક્ત સંસ્થાઓ મહિલા વકીલ હોદ્દેદારો નગણ્ય માત્રામાં છે. પંચાયતી રાજની ચૂંટણીઓમાં પણ સરકારે મહિલા અનામત આપેલ છે.
આ અરજીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અરજદારે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં મહત્વના પદો ઉપર મહિલાઓ રહી છે અને બૌદ્ધિકતામાં પણ તે આગળ રહી છે. અર્ધાંગિની શબ્દ જ સમાન હક્કની ઘોષણા કરે છે. ભારતમાં લૈંગિક અસમાનતા જોવા મળે છે. તેમાં પણ પુરુષો કરતા મહિલાઓની સંખ્યા ઓછી છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરતા ગ્લોબલ ઇન્ડેક્સ જેન્ડર ગેપ મુજબ વર્ષ 2024માં 146 દેશોમાંથી ભારતનું સ્થાન 129 મું હતું. જે વર્ષ 2006માં 98 માં ક્રમે હતું. દિલ્હી વિધાનસભામાં પણ મહિલાઓ માટે અનામત અપાઈ છે. લોકસભામાં પણ મહિલા અનામતનું બિલ પસાર થયું છે. જાહેર કંપનીઓમાં પણ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક મહિલા સભ્યો હોવી અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટ બારે એસોસિએશનમાં પણ 1/3 મહિલા પ્રતિનિધિઓ હોય છે.
ગુજરાતની સ્થાપના થયે આજ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઈ મહિલા વકીલ ચેરપર્સન રહ્યા નથી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કે ડિસ્ટ્રીક બાર એસોસિએશનમાં પણ મહિલાઓનું પૂરતું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી. સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીને અને રજૂઆતને ધ્યાને રાખીને ગુજરાતના તમામ બાર એસોસિએશનમાં ટ્રેઝરર તરીકે મહિલા અનામત રાખી હતી. તેમજ કુલ 30 ટકા મહિલા અનામત આપતો મૌખિક હુકમ કર્યો હતો.