
અમદાવાદ,
નરોડા દાસ્તાન સર્કલ પાસે આવેલી એક હોટલ રૂપિયા 9 કરોડમાં ખરીદવાની વાત કરીને એડવાન્સ પેટે 51 લાખનો ચેક આપી વિશ્વાસમાં લઈ રૂ. 1.11 લાખ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ માતા- પુત્ર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કૃષ્ણનગરમાં રહેતા વિશાલભાઈ પટેલ નરોડા દાસ્તાન સર્કલ પાસે રોયલ ડાઈન રેસ્ટોરન્ટ એન્ડ બેંકવેટ નામની હોટલ પાર્ટનરશીપમાં ધરાવે છે. તેમની હોટલ વેચવાની હોઈ એસોસીએશનના પોર્ટલ પર વેચાણ અંગેની જાહેરાત મુકી હતી.
દરમિયાન ગત માર્ચ મહિનામાં મેહુલ ઉર્ફે યશ પરિમલભાઈ શાહ( રહે. સુરેન્દ્રનગર)એ ફોન કરીને તેમની માતા પારૂલબેન સાથે હોટલ જોવા આવવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ એપ્રિલમાસમાં તેઓ હોટલે આવ્યા હતા અને હોટલ જોઈને પસંદ પડી ગયાનુ કહીને ખરીદવાની વાત કરી હતી. આ અંગે હોટલની જગ્યાના માલિક આલાપભાઈ પટેલ સાથે મુલાકાત થતા હોટલ રૂ. 9 કરોડમાં વેચવાની વાતચીત થઈ હતી. તે સમયે મેહુલ ઉર્ફે યશે હોટલનુ મેનેજમેન્ટ તમારો સ્ટાફ ચાલુ રાખશે અને હવેથી હોટલ હું ચલાવીશ તેમ કહીને રૂ. 51 લાખનો ચેક આપી પહેલી મે ના રોજ ચેક ભરી દેજો તેમ કહી ત્યારબાદ દસ્તાવેજની પ્રક્રિયા કરવાનું નકકી કર્યુ હતુ.
ત્યારબાદ મેહુલ શાહે હોટલ ટેકઓવર કરીને હોટલ ચલાવવાનું ચાલુ કર્યુ હતુ અને રોજ હોટલનુ કલેકશન પણ લેતા હતા. ગત 30 એપ્રિલના રોજ હોટલ પર આવ્યા બાદ દતા રહ્યા હતા. તેમને વિશાલભાઈએ ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ કોઈ સંપર્ક થયો નહતો. આ દરમિયાન હોટલનો રેકોર્ડ ચેક કરતા ગત તા 19 એપ્રિલ થી 30 એપ્રિલ સુધીમાં રોજના કેશ કલેકશનના રૂપિયા 1,11,696 લઈને જતા રહ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. અંતે મેહુલ શાહનો સંપર્ક નહી થતા વિશાલભાઈએ મેહુલ શાહ અને તેની માતા પારૂલબેન સામે નરોડા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.