પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યૂબરની ધરપકડ

Spread the love

 

હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. હિસાર પોલીસે શનિવારે જ્યોતિને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાં પોલીસને 5 દિવસના રિમાન્ડ મળ્યા છે. હિસાર પોલીસના જણાવ્યા અનુસાર, 15 મેના રોજ, DSP જિતેન્દ્ર કુમારની આગેવાની હેઠળની એક ટીમે જ્યોતિને તેના ઘરેથી ધરપકડ કરી. આઈબી ટીમ જ્યોતિની પૂછપરછ કરી રહી છે. હિસાર પોલીસના જણાવ્યા અનુસાર, ‘જ્યોતિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી.’ તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલી રહી હતી. જ્યોતિ ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે, જેના કારણે તે ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં હતી.

જ્યોતિ પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ જોવા ગઈ ત્યારે સુરક્ષા એજન્સીઓનો તેના પર શંકા વધુ ઘેરી બની. ત્યાંના એક મિત્રએ જ્યોતિની મુસાફરીનો બધો ખર્ચ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત, તે ગ્રુપ સાથે ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી. જ્યોતિ વિરુદ્ધ હિસાર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યોતિની ઉંમર 33 વર્ષની છે. તેમનું ઘર હિસારની ન્યૂ અગ્રસેન કોલોનીમાં છે. તેણે બી.એ.નો અભ્યાસ કર્યો છે. તે સિંગલ છે અને મોટે ભાગે દિલ્હીમાં રહે છે. 6 મેના રોજ, તે હિસારથી દિલ્હી ગઈ હતી. જ્યોતિના પિતા હરીશ કુમાર મલ્હોત્રા વીજ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. જ્યોતિનો પાસપોર્ટ 22 ઓક્ટોબર 2018ના રોજ બનાવવામાં આવ્યો હતો. તે 21 ઓક્ટોબર 2028 સુધી માન્ય છે. જ્યોતિ અને તેના પિતા સામે કોઈ જૂનો પોલીસ કેસ નોંધાયેલ નથી. જ્યોતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ફેસબુક અને યુટ્યૂબ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. છેલ્લા 2-3 વર્ષથી, તે ‘ટ્રાવેલ વિથ જો’ નામની યુટ્યુૂ ચેનલ ચલાવી રહી છે જેમાં તે દેશ અને વિદેશમાં તેની મુસાફરીના વીડિયો બનાવે છે. પહેલા તે ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, પરંતુ કોવિડ દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ પછી તે બ્લોગર બની ગઈ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યોતિએ વર્ષ 2023 માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. હાઇ કમિશન દ્વારા વિઝા મેળવ્યા બાદ તેણે આ પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન, જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને મળી, જેની સાથે તેના ગાઢ સંબંધો થયા ગયા. દાનિશ દ્વારા, જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો, જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શાહબાઝ (જેનું નામ તેણે તેના ફોનમાં ‘જટ્ટ રંધાવા’ તરીકે સેવ કર્યું હતું)નો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, જ્યોતિ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ દ્વારા આ એજન્ટો સાથે સંપર્કમાં રહી. તે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની તરફેણમાં સકારાત્મક છબી રજૂ કરી રહી હતી એટલું જ નહીં પરંતુ સંવેદનશીલ માહિતી પણ શેર કરી રહી હતી. જ્યોતિનો પરિચય દાનિશ અને તેના સહયોગી અલી અહસાન દ્વારા પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIO) સાથે થયો હતો, જેમણે જ્યોતિની પાકિસ્તાનમાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેણે પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધો બનાવ્યા અને હાલમાં તેની સાથે ઇન્ડોનેશિયાના ટાપુ બાલીની યાત્રા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને જાસૂસીમાં સંડોવણીના આરોપસર 13 મે, 2025ના રોજ ભારત સરકાર દ્વારા પર્સોના નોન ગ્રૈટા જાહેર કરવામાં આવ્યો હતો અને તેને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યોતિને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ પ્રચાર અને જાસૂસી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *