
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે. કેરળમાં પણ 27 મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમથી અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કપરાડા તાલુકાના અંધાર પાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર અને ઓજર જેવા વિસ્તારોમાં તેમજ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ પિંડી સહિત મહારાષ્ટ્ર બોર્ડર નજીકના ગામડાઓમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો. અચાનક વરસેલા વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે. છેલ્લા 4 દિવસથી બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે કેરી તેમજ લીલા શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા ઉદભવી છે. ભરઉનાળે આવી વરસાદી સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહી છે. અમરેલી-લાઠી હાઇવે પરના ગામોમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. લાઠી તાલુકાના કેરાળા, પીપરીયા, જરખીયા, હરીપર સહિતના ગામમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. સાથે કેરાળા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. જ્યારે લાઠી, અમરેલી હાઈવે પરના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા.
ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આંદામાન- નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેની શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શકયતા છે. હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસુ સામાન્ય જઇ શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસુ સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલનીનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી. લા-નીનો થોડા સમય માટે એક્ટીવ થઇ હાલ ન્યુટ્રલ તરફ જઇ રહ્યું છે. જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડીપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટીવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મીમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96% થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે. જ્યારે 104% થી વધુ વરસાદની શક્યતા 30% છે. એટલે કે, ચોમાસુ સામાન્ય કે તેથી સારૂ રહેવાની શક્યતા 70% છે. એટલે જ ચોમાસું સારૂ માનવામાં આવી રહ્યું છે.