
ઈઝરાયેલ લગભગ દોઢ વર્ષથી ગાઝા પટ્ટીને ઘમરોળી રહ્યું છે. હમાસના આંતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દોઢ વર્ષથી ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા કરી રહ્યું છે, જેમાં સેંકડો બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. આવા સંજોગોમાં હવે બ્રિટન, ફ્રાન્સ, કેનેડા સહિત દુનિયાના ૨૩ દેશોએ ઈઝરાયેલ પર ગાઝામાં યુદ્ધ રોકવા દબાણ કર્યું છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા ચાલુ રાખતા મંગળવારે ૯૦ જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે. ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા સાથે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના નાગરિકો સુધી દુનિયાના દેશો દ્વારા અપાતી માનવીય સહાય પર પણ -તિબંધ મૂકી દીધો હતો. જોકે, દુનિયાના દબાણના પગલે ઈઝરાયેલે માનવીય સહાયમાં આંશિક છૂટછાટ આપી છે. જેના પગલે ગાઝામાં મંગળવારે ખાદ્યાન્ન ચીજોથી ભરેલી ૧૦૦ ટ્રકોને -વેશની મંજૂરી અપાઈ છે. જોકે, લગભગ ત્રણ મહિના કરતાવધુ સમયથી ઈઝરાયેલના પ્રતિબંધોના કારણે ભૂખમરાની સ્થિતિમાં પહોંચી ગયેલા ગાઝાના ૨૦ લાખ લોકો સુધી અત્યંત જરૂરી એવી માનવીય સહાય પહોંચી છે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થઈ શકયું નથી. દુનિયાના દેશોના દબાણ છતાં ઈઝરાયેલે ગાઝામાં નવું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. તેણે કહ્યું કે તેનો આશય હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડાવવાનો અને હમાસનો ખાત્મો છે. ઈઝરાયેલના હુમલામાં મંગળવારે ૮૫થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં ગાઝામાં 300થી વધુ લોકો માર્યા ગયા છે.