
ગઈ કાલે બપોરે કલ્યાણ-ઈસ્ટના ચીકણીપાડા વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી બિલ્ડિંગનો ચોથા માળનો સ્લેબ પહેલા માળે પડતાં એના કાટમાળ નીચે ફસાઈ જવાથી છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત છ લોકો ગંભીર રીતે જખમી થયા હોવાની ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટના પ્રકાશમાં આવતાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC), પોલીસ અને ફાયર વિભાગ દ્વારા બચાવકાર્ય હાથ ધરી કાટમાળ નીચે ફસાયેલા છ લોકોને બહાર કાઢીને ઇલાજ માટે કલ્યાણની રુક્મિણીબાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ચોથા માળના એક ફલેટમાં ટાઇલિંગનું કામ ચાલતું હતું એ સમયે કોન્ટ્રેક્ટરની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની માહિતી મળતાં કોલસેવાડી પોલીસે કોન્ટ્રેક્ટર સામે બેદરકારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. KDMC ના એડિશનલ કમિશનર યોગેશ ગોડસેએ ઘટનાક્રમની માહિતી આપતાં ‘કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે દોઢથી બે વાગ્યા દરમ્યાન સપ્તશ્રૃંગી બિલ્ડિંગના ચોથા માળના એક ફલેટમાં ટાઇલ્સ બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું. એ સમયે કોન્ટ્રેક્ટર દ્વારા તમામ ટાઇલ્સ કાઢીને નવી ટાઇલ્સ બેસાડવામાં આવી રહી હતી. એ દરમ્યાન કોન્ટ્રેક્ટર દ્વારા કોઈ કેમિકલ નાખવામાં આવ્યું હતું જેને કારણે ચોથા માળનો સ્લેબ ત્રીજા માળે પડ્યો હતો.
ત્રીજા માળે વજન વધી જતાં ત્રીજા માળનો સ્લેબ બીજા માળે અને બીજા માળનો સ્લેબ પહેલા માળે પડ્યો હતો. આ ત્રણે ફલેટમાં રહેવાસીઓ હાજર હોવાથી ૧૨ લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. એની માહિતી અમને મળતાં અમારી બચાવટીમે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને ફાયર-બ્રિગ્રેડની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. એડિશનલ કમિશનર યોગેશ ગોડસેએ વધુ માહિતી આપતાં ‘કહ્યું હતું કે સપ્તશ્રૃંગી બિલ્ડિંગનું રજિસ્ટ્રેશન ૨૦૦૬માં થયું હોવાની માહિતી અમને મળી છે. આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાતાં આશરે દોઢ વર્ષ પહેલાં KDMCના જે વોર્ડ દ્વારા બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ મગાવવામાં આવ્યો હતો. જોકે બિલ્ડિંગની સોસાયટીમાં વિવાદ હોવાથી કમિટી મેમ્બરોએ અમને રિપોર્ટ આપ્યો નહોતો. આવી ઘટના પાછી ન બને એ માટે ઇમારતોના મકાનમાલિકોને તેમ જ જર્જરિત દેખાતી ઇમારતોએ બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ આહ્નડિટ તાત્કાલિક કરાવવું જોઈએ એટલું જ નહીં, આજની ઘટના બાદ KDMC એજાહેર કરેલી ૫૧૩ જર્જરિત ઇમારતોને ખાલી કરાવવાનું કામ આવતા અઠવાડિયાથી પોલીસની મદદ લઈને કરવામાં આવશે.’ કોલસેવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ ન્હાયાડેએ ‘હતું કે ‘KDMC’ના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ચોથા માળે રહેતા કે. ચૌરસિયાના ફલેટમાં કામ કરતા કોન્ટ્રેક્ટર સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ કરી છે. કોન્ટ્રેક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું એ સમયે તેણે અનુભવી માણસો રાખ્યા નહોતા એટલું જ નહીં, તેણે કામ કરવા પહેલાં કોઈ પરવાનગી પણ લીધી નહોતી જેને કારણે આ ઘટના બની હતી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.