
ગાંધીનગરના સેક્ટરોમાં દાયકાઓ પૂર્વે બાંધવામાં આવેલા સરકારી આવાસ હવે જર્જરિત થઇને ભયજનક કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા તબક્કાવાર આ જોખમી મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સેક્ટર 6માં આવેલા ”જ” કક્ષાના વધુ 6 બ્લોક તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે અહીં 25 હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી થશે જેને લોક સુવિધાના કામો માટે આયોજનમાં લેવાશે. , અને હવે આગામી ચાર મહિનામાં અન્ય 120 આવાસો તોડવાનું કામ પણ પૂર્ણ કરાશે જેના અંતે 25 હજાર ચો મી જગ્યા ખુલ્લી થશે
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટેના ”ચ”, ”છ” અને ”જ” કક્ષાના મકાનોની સંખ્યા સૌથી વધુ હતી. સમય જતાં અને યોગ્ય જાળવણીના અભાવે આ આવાસો બિનઉપયોગી બન્યા હોવાનું જણાયું હતું. બે વર્ષ અગાઉ કરાયેલા સર્વેમાં 3500થી વધુ મકાનો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ જ કક્ષાના 132 આવાસો તોડી પડાયા હતા ત્યારે સેક્ટર- 6ના વધુ 6 બ્લોકને તોડી પાડવાનું કામ શરુ કરી દેવાયું છે. આ 120 આવાસો તોડી પાડવાની કામગીરી ચાર મહિનામાં પૂર્ણ કરી દેવાશે, જયારે આ જોખમી આવાસો તોડવામાં આવ્યા બાદ અંદાજિત 25 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે.