
ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 24 કલાક પાણી આપવા માટેની યોજનાનું કામ ચાલી રહ્યું છે પરંતુ 250 કરોડના ખર્ચની આ યોજનામાં થઇ રહેલી કામગીરીની ગુણવત્તા સામે અત્યારથી જ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સેક્ટર-22માં નવી પાઇપલાઇનમાં લિકેજ થયું હતું પરંતુ મહિના કરતા પણ વધુ સમય સુધી પાણીનો વેડફાટ થતો રહ્યો હતો. આખરે હવે તેને રીપેર કરવામાં આવી છે.
24 કલાક પુરતા પ્રેશરથી પાણી આપવા માટે નવી નંખાયેલી પાણીની રબરની પાઇપલાઇનમાં સંખ્યાબંધ લિકેજ જોવા મળે છે. છેલ્લા 8- 10 મહિનાથી હજુ પણ પાઇપલાઇનનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. ટેસ્ટીંગ બાદ ક્યાં લિકેજ છે તે પણ તંત્ર શોધી શકતું નથી. સેક્ટર-22માં ઘ- ટાઇપના મકાનો પાસે એક મહિના પહેલા લિકેજ શરૂ થયું હતું. આ લિકેજ તંત્રના ધ્યાને આવ્યું ન હતું પરંતુ દરરોજ પાણીનો વેડફાટ થતો હોવાથી રહિશો દ્વારા અનેક ફરિયાદ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમછતાં આ લિકેજ રીપેર થતું ન હતું. આખરે એક મહિના બાદ લિકેજ રીપેર કરવામાં આવ્યું છે. આ પ્રકારની બેદરકારીને કારણે 24 કલાક પાણીની યોજના સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. માતબર ખર્ચ કરીને નંખાયેલી પાઇપલાઇન તકલાદી હોવાના આક્ષેપો અગાઉ પણ ઉઠ્યા હતા છતાં આ મામલે કોઇ ધ્યાન અપાતું નથી. એટલું જ નહીં એક વર્ષ અગાઉથી નાખવામાં આવેલા મીટરો પણ અનેક જગ્યાએ તૂટી ગયા છે.