
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક તથા અન્ય સાત આરોપીઓ સામે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચુરુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં સિવિલ વર્ક્સની કામગીરી દરમિયાન રૂ.2,200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ છે. ત્રણ વર્ષની તપાસ બાદ સેન્ટ્રલ એજન્સીએ જમ્મુની સ્પેશિયલ કોર્ટમાં પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં મલિક ઉપરાંત વિરેન્દ્ર રાણા અને કંવરસિંગ રાણાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ચાર્જશીટ મુજબ અન્ય આરોપીઓમાં, ચીનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર એમ એસ બાબુ, ડાયરેક્ટર્સ અરુણકુમાર મિશ્રા અને કે.એમ પટેલ કન્સ્ટ્રક્શન ફર્મ પટેલ એન્જિનિયરિંગ લિ.ના રૂપેન પટેલ અને ખાનગી વ્યક્તિ કંવલજીત સિંગ દુગ્ગલને દર્શાવાયા છે. એજન્સીએ આરોપીઓ સામે આઈપીસીની કલમ 120-બી હેઠળ ગુનાઈત કાવતરું અને જમ્મુ-કાશ્મીર પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ચાર્જશીટ ફાઈલ થઈ હોવાના સમાચારો બાદ 79 વર્ષના મલિકનો ફોટો એક્સ પર અપલોડ થયો હતો, જેમાં તેઓ હોસ્પિટલના બિછાને જોવા મળે છે.