
પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકી હુમલાને એક મહિનો વીતી ગયો, પરંતુ આ હુમલાનો ડર હજુ પણ કાશ્મીર ખીણમાં છવાયેલો છે. આ હુમલામાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકોની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનાએ માત્ર માનવતાને શરમસાર કરી નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના પર્યટન અને સ્થાનિક અર્થતંત્રને પણ ઊંડી ચોટ પહોંચાડી છે.
આજે ઉનાળાની ઋતુમાં પણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળો વેરાન અને સૂનકાર દેખાય છે. શ્રીનગરની ડાલ તળાવ, જે ઉનાળામાં પર્યટકોથી ઉભરાતી હતી, તે આજે સૂની અને શાંત છે. શિકારા ચાલક બિલાલના જણાવ્યા મુજબ, “છેલ્લા ૨૪ દિવસથી મારો શિકારો ખડકલો છે. કોઈ સવારી નથી.” ગત વર્ષે તો તેઓ દિવસની ત્રણ શિફ્ટમાં શિકારો ચલાવતા હતા. હોટેલ, હાઉસબોટ, રેસ્ટોરાં અને દુકાનો ખાલી પડી છે. ડાલ તળાવના કિનારે ડ્રાયફૂટ અને કેસર વેચનાર અલીએ કહ્યું, “આ સિઝનમાં અમે ૧૫ વધારાના સ્ટાફ રાખતા હતા, પરંતુ આ વખતે દુકાનોમાં તાળાં લાગી ગયાં છે.”
લાલ ચોક જેવા ફોટોગ્રાફી હોટસ્પોટ પર પણ સન્નાટો છે. કાશ્મીરી કાહવા વેચનાર સલામતે કહ્યું. “કોવિડ પછી પહેલીવાર આવો સન્નાટો જોયો છે.” સ્થાનિક ટૂર ઓપરેટર શૌકત મીરના મતે, આ હુમલાએ હજારો લોકોની આજીવિકા છીનવી લીધી છે. હોટેલ માલિકો, ટેક્સી ડ્રાઇવરો, દુકાનદારો અને રસ્તા પરના વેપારીઓ ભારે નુકસાન સહન કરી રહ્યા છે.
સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવા છતાં, ડરના કારણે પર્યટકો કાશ્મીર આવવાથી ડરે છે. ભારતીય સેનાએ હુમલા બાદ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરી, ૧૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાકિસ્તાને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તેને નિષ્ફળ કર્યો. આ પછી પાકિસ્તાને સીઝફાયરનો પ્રસ્તાવ મૂક્યો.