ઓનલાઈન છેતરપિંડી રોકવા બેંકનો નવતર અભિગમ
બેંકમાં બેનિફિશિયરી તરીકે નોંધણી કરાવી હોય તો ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી લેવી પડતી નથી

છેલ્લા કેટલાય સમયથી ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે બેંકો દ્વારા પણ ગ્રાહકોના નાણાંની સાચવણી માટે પૂરતી તકેદારી લેવાનું શરૂ કર્યું છે. આ માટે યુપીઆઇથી પાંચ હજાર કરતાં વધુ રકમ અજાણ્યા વ્યક્તિને મોકલવામાં આવે તો સૌથી પહેલા બેંક દ્વારા તે ટ્રાન્ઝેક્શનને મંજૂર જ કરતું નથી. ત્યારબાદ બેંક દ્વારા ગ્રાહકને ફોન કરીને પૂછવામાં આવે છે કે તમારા દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. જો ગ્રાહક દ્વારા તેની મંજૂરી આપવામાં આવે તો ૧૦ મિનિટની અંદર ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવામાં આવી રહી છે. આ માટેની સુવિધા અનેક બેંક દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ હજુ કેટલીક બેંકમાં તે સુવિધા કાર્યરત કરવામાં આવી નથી તે બેંક દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હોવાની હકીકતો જાણવા મળી છે.
કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે ઓનલાઈન સેવાનો લાભ લેવાનો શરૂ કરે ત્યારે બેંક દ્વારા તેને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયા સુધીનું રાખવું છે તે પૂછતું હોય છે. તે આધારે બેંક ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે પાંચ હજાર કરતાં વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય તો ગ્રાહક દ્વારા તેને ઓથોરાઈઝ કરે તો જ તેના ખાતામાંથી નાણાં અન્યના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત કોઇ વ્યકિતના ખાતામાં સપ્તાહમાં કે મહિનામાં ત્રણથી ચાર વખત ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તેવા સંજોગોમાં બેનિફિશયરી તરીકે જોડવામાં આવતું હોય છે. આ માટે બેંકના ગ્રાહકે પોતાના ખાતામાં બેનિફિશયરીમાં જેના ખાતામાં નાણાં મોકલવાના હોય તેનો ખાતા નંબર, આઈ એફસી કોડ, નામ સહિતની વિગતો આપવાની હોય છે. આ વિગતો આપવામાં આવ્યા બાદ ૨૪ કલાક પછી જ બેનિફિશયરી એડ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તે ખાતામાં સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકતો હોય છે. આ સુવિધા શરૂ કરવા પાછળનું કારણ એવું પણ છે કે ઓનલાઈ ન છેતરપિંડી કરતી ટોળકી ખાતામાંથી બારોબાર મોટી રકમ તફડાવી નહીં લે તેની તકેદારી માટે આવું કરવામાં આવ્યું છે.
મોટાભાગના ગ્રાહક બેંકમાં જવાના બદલે હવે ડિજિટલ માધ્યમથી જ એકબીજાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. તેના લીધે સમયની બચત થવાની સાથે કાગળની પણ બચત થાય છે. પરંતુ તેના લીધે કેટલીક વખત છેતરપિંડીનો શિકાર થવાની શકયતાઓ વધી જાય છે. પરંતુ આવી તમામ બાબતોને ધ્યાને રાખીને જ બેંક દ્વારા ગ્રાહકોના નાણા સલામત રહે તે માટેની સુવિધા આપવા સતત પ્રયત્નશીલ હોવાની વિગતો જાણવા મળી છે. તેના માટે બેંક દ્વારા પોતાના સોફટવેરમાં ફેરફાર કરીને નાણાં ટ્રાન્સફર કરવાની મર્યાદા નક્કી કરી છે. તેમજ હજુ પણ કેટલીક બેંક દ્વારા સોફટવેરમાં સુધારો કરવાની કામગીરી કરી રહી હોવાની પણ હકીકતો બેંક સાથે સંકળાયેલાઓ પાસેથી જ જાણવા મળી છે.