ભાવનગરમાં કાયદાનો ડર ઓસરતો જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રેમ કરવાની બે યુવાન જોડાને એવી સજા પરિવારે આપી છે કે જીંદગીમાં કાયમ માટે ટીલી રહી જાય. ટીંબી ગામમાં મામાના ત્યાં રહેતા બંને યુવક યુવતીની આંખ મળી અને બંને એક બીજાના સંપર્કમાં આવ્યા. હવે જ્યારે પરિવારને જાણ થઈ તો યુવક યુવતીએ ભાગી જવાનું નક્કી કર્યું અને તેઓ જતા હતા ત્યારે ફિલ્મી દ્રશ્યની જેમ તેમના બાઈકનો કાર દ્વારા પીછો કરવામાં આવ્યો, બાઈકને ટક્કર મારી, બંનેને નીચે પાડી દીધા અને યુવકને રહેંસી નાખ્યા બાદ યુવતીને લઈને ભાગી ગયાની ઘટના બની છે.
મામલાની ફરિયાદ પ્રમાણે, 21 વર્ષિય જનક મૂળ ટીમાણા ગામનો, જે સિંહોર આવેલું છે. તે પોતાના મોસાળ ટીંબીમાં છેલ્લા કેટલાક વર્ષોથી રહેતો હતો અને તેના મામા (સ્વ.)ભુપતભાઈ કેરસિયા, ધીરુભાઈ, હરેશભાઈના ત્યાં રહી મામાને પશુ પાલનમાં મદદ કરતો હતો. જનકને બે ભાઈ તથા ત્રણ બહેનો છે.
આ મામલે મૃતક જનકના મામાના દીકરા સાગરે આપેલી ફરિયાદ પ્રમાણે ગત 3જીની સાંજે તેઓ સાડા સાત વાગ્યાના સુમારે હરેશભાઈને ત્યાં હતો ત્યારે અમારા ગામના હીતેન્દ્રસિંહ ગોહિલ અને હરદીપસિંહ ગોહીલ આવ્યા અને કહ્યું કે તમારો ભાણો જનક ક્યાં છે? અમારી ભાણીને લઈને ભાગી ગયો છે. શોધો નહીંતર અમારા હાથમાં આવશે તો અમે મારી નાખીશું. જેથી મેં કહ્યું કે આપણે વાત આગળ વધારવી નથી તમે શોધો અને અમે પણ શોધીએ મળશે એટલે શાંતિથી પતાવી દઈશું અને વાત આગળ વધારવી નથી અમે તમારી ભાણીને તમને સોંપી દઈશું. છતાં તેઓ મારી નાખવાની ધમકી આપી ત્યાંથી રવાના થઈ જાય છે.
દરમિયાનમાં સાંજે સાડા 11 વાગ્યાના સુમારે જ્યારે તે ઘરે હાજર હતો ત્યારે કાકાના દીકરા જગદીશનો કોલ ગામના યાજ્ઞીકભાઈ જોગીયાણીના ફોન પર આવ્યો અને કહ્યું કે જનકને માર્યો છે અને તેમને 108માં સિંહોર લઈ જાઉં છું. સિંહોર આવો. જેથી તેના પરિવારજનો સિંહોર પહોંચ્યા. અહીં જનકની સાથે રહેલા અમારા ગામના યાજ્ઞીક જોગીયાણી કે જેમનો કોલ આવ્યો હતો તેમને સમગ્ર હકીકત પુછતા તેણે જાણકારી આપી કે, આજે સવારે દસેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે જનકનો મને ફોન આવ્યો અને મને હરેશની વાડીએ બોલાવ્યો, જનકે મને કહ્યું કે મારે ભાયાવદર ગામની પીયુ નામની છોકરી જે હાલ ટીંબીમાં મામાને ત્યાં રહે છે તેની સાથે એકાદ વર્ષથી મિત્રતા છે હવે અમે બંને પ્રેમ સંબંધમાં છીએ.
તેના ઘરવાળા તેને મારે તેમ છે તેથી લઈ જવાનું કહે છે, જેથી મેં હા પાડી હતી. બંને મિત્રો અલગ અલગ બાઈક પર નીકળ્યા. બંને સાંજે સાડા ચારેક વાગ્યે ભાયાવદર પહોંચ્યા જોકે પીયુ સતત ફોન પર સંપર્કમાં હતી. ગામના પાદરે આવી અને જનકની બાઈક પાછળ બેસી ગઈ. અમે અંતરિયાળ રસ્તો લીધો અમરેલી થઈ ઢસા અને રંઘોળા આવ્યા રંઘોળાથી અમે અલગ થયા. હું ટીંબી જવા નીકળ્યો અને જનક ટીમાણા જવા નીકળ્યો. હું રોઘોળા પહોંચ્યો ત્યાં એક ઈકો કારે મને આંતરી લીધો. જેમાં ગામના હિતેન્દ્રસિંહ અને અમારા ગામનો છોકરો હતો. મને બાઈક પરથી ઉતારી ઈકોમાં જબરજસ્તી બેસાડ્યો અને માર માર્યો. મને ધમકાવતા કે ક્યાં છે તેઓ સાચું કહેજે નહીં તો મારી નાખીશ. તેમણે માંડવા તરફ કાર દોડાવી. દરમિયાન હિતેન્દ્રસિંહ સતત જયદીપસિંહ સાથે ફોન પર વાત કરતો હતો. જયદીપ જનકની પાછળ બાઈક લઈને પીછો કરતો હોવાનું જાણવા મળ્યું.
તેઓએ પણ ઢસા તરફ વાળી અને જ્યાં જનક બાઈક પર દેખાયો ત્યારે તેના બાઈકને કાર વડે ટક્કર મારીને તેમને નીચે પાડી દીધા. કારમાંથી લોખંડની પાઈપ કાઢી અને હિતેન્દ્રસિંહે ધારિયું જનકને માથામાં માર્યું સાથેના વ્યક્તિએ પાઈપથી તેને મારવા લાગ્યો. દરમિયાનમાં બીજીએક વાન આવી અને તેમાં આવેલા અમારા ગામના વિશ્વરાજસિંહ, જગદીશસિંહ ગોહિલ, હરદીપસિંહ ઉર્ફે કાનો, અજયસિંહ વાઘેલા જે અમારા ગામના ભાણેજ છે તથા બીજા બે શખ્સો જેમના હું નામ નથી જાણતો તેઓએ જનકને ઢીંકા પાટુનો માર મારવાનું શરુ કર્યું.
આ દરમિયાન મેને આંખે અંધારા આવી ગયા અને થોડીવાર પછી જ્યારે મને ભાન આવ્યું તો તે લોકો રોડ પર ઊભા હતા અને હું જનક પાસે ગયો તો જનકને માથામાં ગંભીર ઈજા તથા શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. પુષ્કળ લોહી નીકળતું હતું. જેથી મેં આ લોકોને કહ્યું કે આમ ના હોય, તો તે લોકોએ કહ્યું કે ભલે પડ્યો, ભલે મરી જતો, તે કોઈને કહ્યું તો તને પણ મારી નાખીશું. વિશ્વરાજસિંહે કહ્યું કે તેને હજી પણ મારવાનો છે. કોઈએ 108ને ફોન કર્યો હતો તેથી આ લોકો ત્યાંથી પીયુને લઈને જતા રહ્યા અને હું 108માં જનકને સારવાર માટે સિંહોર લઈ આવ્યો અને આ દરમિયાનમાં જગદીશભાઈને ફોન કરીને જાણ કરી. જનકનો મોબાઈલ ગુમ છે.
આ જાણકારી મળતા સાગરે પોલીસને એ પણ કહ્યું કે, આ બનાવનું કારણ એવું છે કે મારા ફોઈના દીકરા જનકને અમારા ગામના બળવંતસિંહ ગોહિલની દીકરી હેતલબાની દીકરી સાથે છેલ્લા એકાદ વર્ષથી મિત્રતા છે અને પ્રેમ સંબંધ હોય તેને લેવા માટે જનક ગયો હતો ત્યારે તેના પર હુમલો કરી તેને જીવથી મારી નાખવામાં આવ્યો.
ભાવનગરની ઢસા પોલીસે આ મામલાની ફરિયાદ નોંધી લઈને, જેમાં હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, હરદીપસિંહ, વિશ્વરાજસિંહ, અજયરાજસિંહ વાઘેલા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સવારે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ ઘટનાને લઈને ટીમાણા ગામમાં શોકનો માહોલ છે.