ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે આવો કાર્યક્રમ આગામી તારીખ 18 થી 20 જૂન વચ્ચે યોજવાની ઘણા સમય પહેલા જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની અને વિધાનસભાની બે બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી ગઈ છે.
ચૂંટણી આચારસંહિતા લાગુ પડવાની સાથોસાથ મોટાભાગના ચૂંટાયેલા પદાધિકારીઓ અને શિક્ષકો ચૂંટણી અંગેની કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ આચાર સંહિતાના ભંગ વગર અને ઓછા મેન પાવર સાથે કેવી રીતે યોજી શકાય તે સંદર્ભે મુખ્યમંત્રીએ ચર્ચા કરવા માટે અને માર્ગદર્શન આપવા આગામી તારીખ 10 ના રોજ સવારે 11:00 વાગે ગાંધીનગર ખાતે સ્વર્ણીમ સંકુલ-1 સચિવાલયના સાબરમતી ઓડિટોરિયમ હોલમાં મીટીંગ બોલાવી છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સંદર્ભે યોજવામાં આવેલી આ બેઠકમાં તમામ કેબિનેટ મિનિસ્ટરો અને રાજ્ય કક્ષાના મંત્રીઓને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
બાલવાટિકા થી ધોરણ 1 થી 9 માં એડમિશન આપવા માટે યોજાતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આ વર્ષના કાર્યક્રમને ચૂંટણી આચારસંહિતાના કારણે પાછો ઠેલવો પડશે તેવી વાતો પણ થઈ રહી હતી. બરાબર તેવા સમયે જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નાયબ સચિવે આ માટે મુખ્યમંત્રીની હાજરીમાં તારીખ 10 ના મંગળવારે સવારે 11:00 વાગે મીટીંગ બોલાવવામાં આવી હોવાનું જણાવી તે સંદર્ભે પરિપત્ર તૈયાર કરીને તમામ મિનિસ્ટરોના અંગત સચિવોને તે મોકલી આપ્યો છે.
આ વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સાથોસાથ 15 થી 65 વર્ષની વયના કેટલા લોકો નિરક્ષર છે તેમની માહિતી એકત્ર કરવાનું પણ સરકાર દ્વારા જણાવી દેવાયું છે. જોકે આવી માહિતી એકત્ર કર્યા પછી તેનું શું કરવું તે બાબતે હજુ કોઈ સૂચના મળી નથી પરંતુ નિરક્ષરતા નાબૂદી માટેના કેન્દ્ર સરકારના કાર્યક્રમ અંતર્ગત કોઈ મહત્વની જાહેરાત આ માટે થાય તેવી શક્યતા નિહાળવામાં આવી રહી છે.