
સુપ્રીમ કોર્ટે એક આદેશમાં મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે પ્રિવેન્ટિવ ડિટેન્શન રાજ્યને મળેલી એક અસાધારણ સત્તા છે, જેને સંયમપૂર્વક જ ઉપયોગ કરવો જોઇએ. આ જોગવાઈ વ્યક્તિ વધુ ગુના કરશે તેવી ધારણાને આધારે વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકતી સત્તા છે. તેનાથી તેનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ થવો જોઇએ નહીં.
સુપ્રીમ કોર્ટે ચાર કેસમાં જામીન મળ્યા પછી ગેરકાયદે પ્રવૃત્તિમાં કથિત રીતે સંડોવાયેલ એક ફાઇનાન્સરને અટકાયતમાં લેવાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના આદેશને રદ કર્યો હતો. આરોપીએ વિવિધ કેસોમાં જામીન શરતોનો ભંગ કર્યા હોવાથી આદેશ પસાર કરાયો હતો તેવી સત્તાવાળાની દલીલને ફગાવી દઇને ન્યાયાધીશ સંજય કરોલ અને મનમોહનની બનેલી ખંડપીઠે નોંધ્યું હતું કે સત્તાવાળાએ આરોપીને અટકાયતામાં લેવાની જગ્યાએ તેના જામીન રદ કરવા માટે સક્ષમ કોર્ટમાં અરજી કરવી જોઇતી હતી. તેથી 20 જૂન 2024ના અટકાયતાના આદેશ અને 4 સપ્ટેમ્બર 2024ના કેરળ હાઇકોર્ટના આદેશને રદ કરવામાં આવે છે.
નિવારક અટકાયતની સત્તાને બંધારણની કલમ 22(3)(b) હેઠળ માન્યતા છે તેવી નોંધ કરીને ખંડપીઠે જણાવ્યું હતું કે નિવારક અટકાયત માટેની જોગવાઈ એ રાજ્યના હાથમાં એક અસાધારણ સત્તા છે, જેનો ઉપયોગ સંયમપૂર્વક કરવો જોઈએ. તે વધુ ગુનાઓ થશે તેવી ધારણા હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકે છે અને તેથી સામાન્ય સંજોગોમાં તેનો ઉપયોગ થવો જોઇએ નહીં.
ખંડપીઠે જણાવ્યું હતું કે અટકાયતી અધિકારીનો દાવો છે કે રિથિકા ફાઇનાન્સ નામની ખાનગી ફાઇનાન્સિંગ કંપની ચલાવતો અટકાયતી તેના પર લાદવામાં આવેલી જામીન શરતોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. પરંતુ ચારમાંથી એકેય કેસમાં પ્રતિવાદીએ જામીન અરજીના ભંગનો આરોપ કરતી એક પણ અરજી કરી નથી, વધુમાં કેસની સુનાવણી દરમિયાન તેનો કોઇ ઉલ્લેખ પણ કરાયો નથી. તેથી અટકાયતાનો આ આદેશ ટકી શકે નહીં.