
ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં હાલ ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, 2030 સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, સુરત, થાણે, હૈદરાબાદ, પટના, ભુવનેશ્વર જેવા શહેરોમાં હિટવેવની સંખ્યા બમણી થઈ જશે. આઇપીઇ ગ્લોબલ અને ઇસરી ઇન્ડિયાના એક અભ્યાસમાં ગરમીના દિવસોમાં વધારો થવાનો દાવો કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી હીટવેવની સ્થિતિને કારણે વરસાદ વધુ પડતો, અનિયમિત અને વારંવાર થવાની સંભાવના પણ છે, એમ અહેવાલમાં જણાવાયું છે. ગરમીનાં પ્રકોપથી પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઓડિશા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને મણિપુરનો સમાવેશ થાય છે. અભ્યાસ મુજબ છેલ્લાં ત્રણ દાયકામાં (1993થી 2024 વચ્ચે) ભારતમાં માર્ચ-એપ્રિલ-મે અને જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં અતિશય ગરમીના દિવસોમાં 15 ગણો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં અતિશય ગરમીના દિવસોની સંખ્યામાં 19 ગણો વધારો જોવા મળ્યો છે. ભારતમાં ચોમાસામાં વરસાદ સિવાયના દિવસોને બાદ કરતાં ઉનાળા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
વૈજ્ઞાનિક નેટવર્ક વર્લ્ડ વેધર એટ્રિબ્યુશનએ બુધવારે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “મે દરમિયાન, ગ્રીનલેન્ડનો બરફ અગાઉની સરેરાશ કરતાં 17 ગણો ઝડપથી પીગળ્યો હતો.” અહેવાલના લેખકોમાંના એક, ઇમ્પિરિયલ કોલેજ લંડનના ક્લાઇમેટોલોજીના એસોસિએટ પ્રોફેસર, ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું કે આઇસલેન્ડમાં, 15 મેના રોજ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. તે ટાપુ પર વર્ષના તે સમય માટે તે અભૂતપૂર્વ હતું.
રીપોર્ટ અનુસાર છેલ્લાં 22 મહિનામાંથી, 21 મહિના પૃથ્વીનું તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સરેરાશ (1850 થી 1900) કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતું. જૂન 2024 થી મે 2025 સુધીના સમયગાળામાં, પૃથ્વી 1850-1900 ના બેંચમાર્ક કરતા 1.57 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતી. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારતમાં અતિવૃષ્ટિની ઘટનાઓમાં 43 ટકાનો વધારો થવાની સંભાવના છે. આ કારણે દેશના મોટા ભાગના વિસ્તારો વધુ ગરમ અને ભેજવાળા બની જશે.
ભારતનાં 10 માંથી આઠ જિલ્લાઓમાં 2030 સુધીમાં ભારે વરસાદ પડશે. તાજેતરનાં દાયકાઓમાં આવી ઘટનાઓની આવર્તનમાં મોટો વધારો ઓબ્ઝર્વેટરી ટૂલ્સ પર આધારિત છે. તેને આઇપીઇ ગ્લોબલ અને એસરી ઇન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. અભ્યાસના મુખ્ય લેખક અવિનાશ મોહંતીએ જણાવ્યું હતું કે અભ્યાસના તારણો દર્શાવે છે કે 2030 સુધીમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની છે. અલ નીનો, લા નીના જેવી હવામાનની ઘટનાઓ મજબૂત બનશે, જે ભારે ગરમી, પૂર, તોફાન તરફ દોરી જશે.