
સિરાજગંજ જિલ્લામાં નોબેલ પ્રાઈઝ પુરસ્કાર વિજેતા ભારતના મહાન કવિ- સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર પર એક ટોળાએ હુમલો કરીને તેને નુકસાન પહોંચાડયું હતું. આ ઘટના બાદ પુરાતત્વ વિભાગે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમીતીની રચના કરી છે, જેને પાંચ દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ 8મી જૂને એક વિઝીટર પોતાના પરિવારની સાથે સિરાજગંજ જિલ્લામાં આવેલ કચહરીબાડી ગયો હતો. આ સ્થળ રવિન્દ્ર સ્મારક સંગ્રહાલયથી પણ જાણીતું છે. વિઝીટરનો પ્રવેશદ્વાર પર મોટરસાયકલ પાર્કીંગ ચાર્જને લઈને એક કર્મચારી સાથે વિવાદ થયો હતો. બાદમાં કથિત રીતે વિઝીટરને કાર્યાલયમાં પુરી દેવાયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનાથી નારાજ સ્થાનિક લોકોએ મંગળવારે માનવ શૃંખરા બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ કચહરીબાડીના ઓડિટોરિયમ પર હુમલો કરી સંસ્થાના ડિરેકટરની પિટાઈ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળે રવિન્દ્રનાથ ટાગોરની અનેક સાહિત્યિક રચનાઓ હતી.