

ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાંથી પતિ-પત્નીના ઝઘડાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, પત્નીને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનો શોખ છે, પરંતુ જ્યારે પતિએ તેના પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પત્ની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને સીધી હાપુર પોલીસમાં ગઈ અને કાર્યવાહીની માંગણી કરવા લાગી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, હાપુર પોલીસ અધિકારીઓએ પતિ-પત્નીને કાઉન્સેલિંગ માટે મહિલા પોલીસ સ્ટેશન મોકલ્યા હતો. કાઉન્સેલિંગ દરમિયાન, પત્નીએ જણાવ્યું કે તેના પતિએ તેને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાથી રોકી હતી, જેના કારણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે ફોલોઅર્સ ઓછા થઈ ગયા. આ પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ કેસમાં, પતિ દ્વારા પોલીસને લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની નાની નાની બાબતોમાં ઝઘડો કરે છે અને સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ્સ જુએ છે. તે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પ્રકારના વીડિયો બનાવે છે અને અપલોડ કરે છે, જેના કારણે તે ઘરના બાકીના કામો કરતી નથી અને જો તેના ફોલોઅર્સ ઓછા થાય છે, તો તે ખૂબ ઝઘડો કરે છે અને ઘરમાં મુશ્કેલી ઉભી કરે છે. પતિના મતે, પત્ની ઇન્સ્ટાગ્રામ પ્રત્યે એટલી ઝનૂની છે કે જો તેના ફોલોઅર્સ ઓછા થાય છે, તો તે ખાવાનું પણ ખાતી નથી અને જો તેને કંઈ કહેવામાં આવે તો તે ખોટા દહેજના કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.