
તા.21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમમાં 45 મિનિટમાં 19 આસનો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પણ ઉપસ્થિતિમાં પાંચ લાખ લોકો તેમાં ભાગ લે તેવું આયોજન કરાયું છે. યોગ દિવસની તૈયારીઓ અંગે કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 21 જૂને વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન ઉપરાંત 40 દેશોના લોકો પણ ભાગ લેશે. 20 દેશોના યોગ શિક્ષકો અને તાલીમ પામેલા લોકો પણ હાજર રહેશે. આ ઉપરાંત, અન્ય 20 દેશોના ભારતમાં રહેતા વિદ્યાર્થીઓ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.21 જૂને આ વખતે આ કાર્યક્રમ ઘણી રીતે ખાસ અને ઐતિહાસિક રહેશે. આ દિવસે મોદી વિશાખાપટ્ટનમમાં રહેશે અને આ કાર્યક્રમ સવારે 6.30 થી 7.30 વાગ્યા સુધી ચાલશે. જેને ખાસ બનાવવા માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ એક મોટા જન આંદોલનમાં ફેરવવા માંગે છે. આ હેતુ માટે, રાજ્ય સરકારે 21 જૂનથી સમગ્ર આંધ્રપ્રદેશમાં એક હજાર યોગ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી લોકો નિયમિતપણે યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવી શકે. રાજધાની દિલ્હીમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં 111 પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ સત્રોનું આયોજન કરવામાં આવશે. તેમાં લાલ કિલ્લો, કર્તવ્ય પથ અને લોધી ગાર્ડન મુખ્ય સ્થળો છે. આ ઉપરાંત, દિલ્હી સરકારે આ દિવસે 10 મોટા યોગ કાર્યક્રમોનું આયોજન કરવાની પણ યોજના બનાવી છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાશે. સરકાર યોગના ફાયદા દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તેને નિયમિત જીવનશૈલીનો ભાગ બનાવે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.