મુખ્યમંત્રી કે મંત્રી કર્મચારી સામે તપાસની સૂચના આપે તો વિભાગના સચિવે અહેવાલ રજૂ કરવો પડશે

Spread the love

 

 

રાજ્યના સરકારી અધિકારી અને કર્મચારીઓ સામેની પ્રાથમિક તપાસ સંદર્ભે સરકારે નવેસરથી સૂચનાઓ જારી કરી છે. જેમાં ફરિયાદની અરજી સંદર્ભે એસીબી કે અન્ય એજન્સી મારફતે વધુ તપાસ કરાવવી જરૂર લાગે તો તે પહેલા આક્ષેપિત અધિકારી-કર્મીને શો-કોઝ નોટિસ પાઠવી તેમના જવાબના આધારે એસીબીને તપાસ સોંપવી કે અરજી દફતરે કરવી તેનો નિર્ણય લેવાનો રહેશે તેમ નક્કી કરાયું છે. તે સાથે કોઇ પ્રમાણિક અધિકારી બિનજરૂરી પરેશાન ન થાય અને ખોટી ફરિયાદ કરનારાને ઉત્તેજન ન મળે તેની તકેદારી રાખવા પણ જણાવાયું છે. મુખ્યમંત્રી કે મંત્રીએ અધિકારી-કર્મી સામે તપાસની સૂચના આપી હોય તો વિભાગના સચિવે તપાસ કરાવી પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે તેમને તપાસ અહેવાલ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે તેમ પણ જણાવાયું છે.
સરકારમાં ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે અને અનેક અધિકારી-કર્મચારી સામે આક્ષેપો કરતી સાચી-ખોટી અરજીઓ સરકારને મળી રહી છે તે સંજોગોમાં સરકારના સામાન્ય વહીવટ વિભાગે અગાઉના કેટલાક ઠરાવ-પરિપત્રો રદ કરીને 17-6-2025એ જારી કરેલી પ્રાથમિક તપાસ અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં જણાવાયું છે કે ફરિયાદ કરનારાની ઓળખ ગુપ્ત રહે તે બાબતે શિસ્ત અધિકારીએ કાળજી લેવાની રહેશે. જો જે તે કર્મી સામે અન્ય કોઇ કચેરીમાં અરજી મળે તો તે વિભાગના વડાએ પોતે કોઇ તપાસની કાર્યવાહી કર્યા વિના સંબંધિત વિભાગના વડાને મોકલી આપવાની રહેશે. જે અરજી કે ફરિયાદો નામી એટલે કે સાચા નામ-સરનામા સાથેની હશે તેમાં આક્ષેપો અંગે તપાસ જરૂરી છે કે દફતરે કરવા લાયક છે તે અંગે વિભાગના વડાએ મહત્તમ એક મહિનામાં નિર્ણય લેવાનો રહેશે. બેનામી અરજીની ફરિયાદમાં દ્રેષવૃતિ હોય કે કોઇ તથ્ય ન હોય તો તેને સીધી દફતરે કરવાની રહેશે.
નામી અરજીમાં વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓના કેસમાં વિભાગના સચિવ અને વર્ગ-3ના કર્મીના કેસમાં ખાતાના વડા કે નિમણૂક અધિકારી નિર્ણય લેશે. વર્ગ-4ના કર્મીના કેસમાં વર્ગ-2થી નીચલી કક્ષાના ન હોય તેવા વહીવટી કે કચેરીના વડા આખરી નિર્ણય લેશે. અરજદારને રજૂઆત કરવાની યોગ્ય તક આપ્યા પછી હાજર ન થાય કે વાજબી પુરાવા ન આપે તો ફરિયાદની પ્રાથમિક ખરાઇ કરીને તેને દફતરે કરવી કે તપાસ માટે ભલામણ કરવી તેનો નિર્ણય લેવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *