મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને સરકારના લાખો કર્મચારીઓ- અધિકારીઓએ ગુજરાતના નાગરિકોના સહયોગથી છેલ્લા એક વર્ષથી રાત-દિવસ એક કરીને કોરોનાને હરાવવાના એકમાત્ર ધ્યેય સાથે ઝઝુમી રહ્યા છે. જેથી ગુજરાતની જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે.
આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકારે કોરોનામાં કરેલી વિસ્તૃત કામગીરીની વિગતો આપવામાં આવી હતી. નામદાર હાઇકોર્ટે સુનાવણીના અંતે ઓર્ડર પાસ કર્યો છે તેમાં માત્ર એ કહ્યું છે કે, ૧૪મી એપ્રિલે આરોગ્ય અગ્ર સચિવ એફીડેવિટ રજુ કરે અને રાજ્ય સરકારે કોરોનાના સંદર્ભમાં કરેલી કામગીરીની વિગતો આપે.
તેમણે કહ્યું હતું કે, હાઇકોર્ટે ગુજરાતમાં કોરોનાના સંદર્ભમાં સૂચનો અને માર્ગદર્શન આપ્યા છે. હું ચોક્કસ માનું છું કે સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે એમાં ગુજરાત પણ બાકાત નથી. કારણ કે ભારતના દરેક રાજ્યોમાં, દરેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, કેસો વધતાં જાય છે અને તેની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, એન્ફોર્સમેન્ટ તેની વ્યવસ્થા સરકારે કરવાની હોય છે.
તેમણે દાવા સાથે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાત સરકારે ગુજરાતની પ્રજા માટે દિવસ-રાત જોયા વગર અનેક કામગીરી- નિર્ણયો કર્યા છે. રાજ્ય સરકારે નાણાકીય ખર્ચની જરાય ચિંતા કર્યા વિના પ્રયાસો કર્યા છે અને એટલે જ ગુજરાત અન્ય રાજ્યો કરતાં આજે બહેતર પરિસ્થિતિમાં છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં રાજ્ય સરકાર સફળ રહી છે. એટલું જ નહીં આ કામગીરીમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ ઉપરાંત રાજ્ય સરકારના કેટલાય કર્મચારી- અધિકારીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણાંને કોરોનાનું સંક્રમણ પણ લાગું પડ્યું છે છતાંય પોતાના જીવની પરવા કર્યા વિના સૌએ સાથે મળીને પ્રશંસનીય કામ કર્યું છે.
રેમડેસિવીર ઇન્જેક્શન અંગે નામદાર હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં રેમડેસિવીર ઇન્જેક્શનના જુજ ઉત્પાદકો છે. ગુજરાતે આસામથી માંડીને મુંબઇ સુધીના અનેક ઉત્પાદકોનો સંપર્ક કરીને વધુમાં વધુ રેમડેસિવીર ઇન્જેક્શન મેળવ્યા છે. રોજના આશરે ૨૫,૦૦૦ જેટલા ઇન્જેક્શન ઉપલબ્ધ થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે અને ખાનગી હોસ્પિટલોમાં પડતર કિંમતે રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જ્યારે રેમડેસિવીર ઇન્જેક્શનનું ઉત્પાદન સીમિત છે ત્યારે દરેક ડોક્ટર દરેક કેસમાં તેનો ઉપયોગ કરે તો પહોંચી વળવું સ્વાભાવિકપણે જ મુશ્કેલ બને.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાન્યુઆરીમાં ૨૦,૬૮૩ રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડી હતી. ફેબ્રુઆરીમાં ૧૯,૮૨૫ અને માર્ચમાં ૧,૬૩,૭૧૬ રેમડેસિવીર ઇન્જેક્શન વપરાયા હતા જ્યારે એપ્રિલના આ ૧૦ દિવસોમાં ૨,૧૪,૫૭૮ જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પ્રાઇવેટ હોસ્પિટલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
જ્યારે સરકારી હોસ્પિટલોમાં જાન્યુઆરીમાં ૧૦,૦૦૦, ફેબ્રુઆરીમાં ૨૫,૪૦૦, માર્ચમાં ૨૦,૮૦૦ અને એપ્રિલમાં આ દસ દિવસોમાં ૧,૩૬,૯૫૦ રેમડેસિવીર ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. આમ છેલ્લા દસ દિવસમાં જ સરકારી અને ખાનગી હોસ્પિટલો મળીને કુલ ૩,૫૦,૦૦૦થી વધારે રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રેમડેસિવીર ઇન્જેક્શનનો સંગ્રહ કરવાની માનસિકતામાંથી બહાર નિકળીને જરૂરીયાત હોય ત્યાં જ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જોઇએ.
ઝાયડસને ધન્યવાદ આપતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાને રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની તેમની કામગીરી પ્રશંસનીય છે. સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલો માટે પણ રાજ્ય સરકાર રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને પ્રજાના હિતમાં કામ કરી રહી છે. આગામી સમયમાં પણ રાજ્ય સરકાર આ પ્રયત્ન ચાલુ રાખશે. રેમડેસિવીર ઇન્જેક્શનના ઉત્પાદકોને પ્રોડક્શન વધારવાની પણ સુચના આપવામાં આવી છે. આમ છતાં પણ જો માંગ આ જ રીતે વધતી રહેશે તો મર્યાદાની અંદર જ કામ કરવાનુ રહેશે. જથ્થો મર્યાદિત છે ત્યારે સૌ પ્રથમ પ્રાયોરીટી કોવિડ હોસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓને આપવી પડશે ત્યારબાદ ખાનગી હોસ્પિટલના ગંભીર દર્દીઓને આપવાનું થાય છે. જેમ–જેમ જથ્થો ઉપલબ્ધ થાય તેમ–તેમ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ મુજબ અગ્રતા આપીને તમામ ગંભીર દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના એ મોટી વૈશ્વિક આપત્તિ છે. સરકારોને માનવજાતની સેવા કરવાની ઉત્તમ તક મળી છે. ગુજરાત સરકાર સૌને સાથે રાખીને તન, મન, ધનથી સેવા કરી રહી છે.
હોસ્પિટલો માટે ઓક્સીજનની વ્યવસ્થા કરવામાં પણ ગુજરાત મોખરે છે. રાજ્યના કુલ ઉત્પાદનમાંથી ૭૦ ટકા ઓક્સીજન કોવિડના દર્દીઓ માટે રીઝર્વ રાખવામાં આવ્યું છે. ગુજરાત કદાચ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારે હિમ્મતપૂર્વક આવો નિર્ણય કર્યો છે.
કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાયું છે ત્યારે હોસ્પિટલોમાં બેડની અછત નિવારવા માટે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે પ્રયત્નો કર્યા છે. નવી કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેંટર અને કોવિડ કેર સેન્ટર ઉભા કર્યા છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના DRDOના સહયોગથી અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટર ખાતે ઓક્સીજન સાથે ૯૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવા માટે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહને અમે વિનંતી કરી છે અને ટૂંક સમયમાં આ વ્યવસ્થા અમલી થશે તેવી અમને આશા છે.
અમદાવાદમાં હાલ ૧૧,૦૦૦ બેડની વ્યવસ્થા છે. સાથો સાથ LG હોસ્પિટલ અને VS હોસ્પિટલમાં નવા ૨૦૦-૨૦૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. ૭૫૦ બેડ અન્ય નર્સિંગ હોમ ખાતે ઉભા કરવામાં આવેલ છે. આમ છેલ્લા દસ દિવસમાં કુલ ૫૦૦૦ જેટલા બેડ વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં ૧૪૨૦ સંજીવની રથ દ્વારા ઘરે ઘરે ફરીને ૨૦,૦૦૦ જેટલા કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ૧૫૦ જેટલા ધન્વંતરી રથના માધ્યમથી ૭૦૦૦ લોકોને તપાસવામાં આવ્યા છે. ૧૦૦ ડોમમાં મફત ટેસ્ટીંગ સુવિધા માટે ઉભી કરવામાં આવી જેમાં પ્રતિદિન કુલ ૩૫,૦૦૦ જેટલા લોકોનું ટેસ્ટીંગ થાય છે.
અમદાવાદમાં ૩૦૦ વેક્સીનેશન સેન્ટર ઉપર પ્રતિદિન ૨૫,૦૦૦ લોકોનું વેક્સીનેશન થાય છે અને ૪૦૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે જ્યાં લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે. આવી વ્યવસ્થામાં અનેક કર્મચારીઓ જોડાયેલા છે.
વડોદરાની પરિસ્થિતિ અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે, ૨૫૦ જેટલા સંજીવની રથ અને ૩૪ જેટલા ધન્વંતરી રથથી દર્દીઓની ઘરઆંગણે સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં હોસ્પિટલોમાં પથારીઓની સંખ્યા ૪૦૦૦થી વધારીને ૧૦,૦૦૦ કરવામાં આવી છે જેમાં ૧૮૦૦ ICU બેડ અને ૮૦૦ જેટલા વેન્ટિલેટર બેડ છે.
સુરતમાં ૨૦૦ ધન્વંતરી રથ અને ૧૫૦ સંજીવની રથથી ઘેર-ઘેર સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં ૩૦૦૦ બેડ વધારવામાં આવ્યા છે. આજે સુરતમાં પથારીઓની કુલ સંખ્યા વધીને ૧૦,૦૦૦ થઈ છે.
જ્યારે રાજકોટમાં ૬૮ ધન્વંતરી રથ અને ૨૫ સંજીવની રથથી દર્દીઓની ઘરઆંગણે સારવાર કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૫૦૦ બેડ વધારવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કુલ ૪૩૦૦ બેડ ઉપલબ્ધ છે અને આગામી ૧૦ દિવસમાં વધુ ૨૪૦૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવશે.
ગુજરાતમાં ટેસ્ટિંગની સ્થિતિની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ચ મહિના દરમિયાન પ્રતિદિવસ ૩૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવતા હતા આજે રાજ્યમાં પ્રતિદિન ૧,૪૦,૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ ૧૩ જિલ્લાઓમાં RTPCR ટેસ્ટની સુવિધાઓ શરૂ કરાશે. RTPCR ટેસ્ટમાં પણ મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ૮,૦૦૦ જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવતા હતા જ્યારે આજની તારીખે આશરે ૬૫,૦૦૦ જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને એક અઠવાડિયામાં સરકારી લેબોરેટરીઓમાં ટેસ્ટિંગની ક્ષમતા બમણી કરવામાં આવશે.
આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, શ્રી કે. કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા, અગ્ર સચિવ શ્રીમતી જયંતી રવિ સહિત વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિચારણાને અંતે કેટલાક મહત્વનાં નિર્ણયો લેવાયા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કેટલાક શહેરોમાં કૉવિડ-19 ની અસર વધતાં કેટલાક નિર્ણયો લેવાયા છે. તા. ૧૪મી એપ્રિલથી અમલમાં આવે એ રીતે લગ્ન સમારંભોમાં હવે બંધ કે ખુલ્લી જગ્યાઓમાં ૫૦થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં. જે શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલી છે ત્યાં કર્ફ્યુની અવધિ દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહીં. મૃત્યુના કિસ્સામાં પણ અંતિમ વિધિ કે ઉત્તર ક્રિયાઓમાં 50થી વધારે વ્યક્તિઓને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણીઓ કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આગામી એપ્રિલ અને મે મહિના દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, નાગરિકો પોતાના તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં જ પરિવાર સાથે ઉજવે.
રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ – કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50% સુધી રાખવાનો અથવા કર્મચારીઓ ઓલ્ટરનેટ દિવસે ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરાયો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો તારીખ ૩૦મી એપ્રીલ સુધી જાહેર જનતા માટે બંધ રાખવાની અપીલ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક સ્થાનો ખાતે દૈનિક પૂજાવિધિ પૂજારીઓ અને સંચાલકો મર્યાદિત લોકો સાથે કરે તે સલાહભર્યું છે.
અંતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું હતું કે, કોરોનાનું રિકવરી રેટ ૯૪ ટકા છે જ્યારે મૃત્યુનો દર ૧.૪ ટકા છે એટલે ગુજરાત સરકારે કરેલી સઘન કામગીરીના પરિણામે ૯૫ ટકા લોકો સાજા થઈને ઘરે ગયા છે.