મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૬૦ ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત પ્રજાના હિતમાં અનેકવિધ પગલાં-નિર્ણય કરી રહી છે. ત્યારે કોરોનાની ટેસ્ટિંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા મુખ્યમંત્રીશ્રીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના આઠ મહાનગરપાલિકાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, કોરોના મહામારી ગુજરાત તથા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહી છે. ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં ૧,૬૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં અગાઉ દૈનિક ૩૦૦ કેસને બદલે અત્યારે ૬,૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. એટલે કે થોડા સમયમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા જયારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતુ અટકાવવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ-પ્રતિનિધિઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની ઉત્તમ તક છે તે જવાબદારી આપણે નિભાવવાની છે. છેલ્લાં ૧૫ દિવસમાં ગુજરાતમાં સરકારે દિવસ-રાત એક કરીને કોરોનાન નિયંત્રણ અને કોઈ સંક્રમિત સારવાર વિનાનો ન રહે તે માટે ૧૮,૦૦૦ નવા કોરોના બેડ ઉભા કર્યાં છે. ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી, રેમડેસિવિર ઈન્જેક્શન, વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે.
તેમણે કહ્યું હતુ કે, કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ, સમાજ, સંતો અને સેવાભાવી લોકોને જોડવા પડશે. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ એટલે ફરિયાદી નહીં પરંતુ જવાબદાર બનીએ. પ્રશ્નો તો આવશે જ પ્રશ્નોથી ગભરાવવાની જરૂર નથી પણ સાથે મળીને તેનો હકારાત્મક ઉપાય શોધવાનો છે.
તેમણે કહ્યું હતુ કે, ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી દૈનિક ૨૦,૦૦૦ ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ. આપણે અત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જ રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ન કરે તો જરૂરી છે.
તેમણે કહ્યું હતુ કે, દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૪ ટકાથી ઉપર હોય તો હોમ આઈસોલેશનમાં રહેવુ જોઈએ. અગાઉ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત ૨૫૦ ટન હતી જે વધીને ૬૦૦ ટન સુધી પહોંચી છે. એટલે સ્વાભાવિક રીતે ઓક્સિજન માંગ વધી છે.
તેમણે કહ્યું હતુ કે, અગાઉ ગુજરાતમાં ૫૦,૦૦૦ કોરોના ટેસ્ટ કરાતા હતા જે આજે વધીને ૧,૩૦,૦૦૦ કરવામાં આવે છે. ગુજરાતના મોટા શહેરોમાં સંજીવની રથ, ધન્વતંરી રથ અને ૧૦૪ હેલ્પલાઈનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. જે વિસ્તારમાં પાંચથી વધુ કોરોનાના કેસ આવે તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવે છે. જેથી સંક્રમણ અટકાવી શકાય.
તેમણે કહ્યું હતુ કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા ૨૪માંથી ૧૧ કલાક કોરોના કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવે છે. એટલે લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે ખૂબ
જરૂરી છે.
તેમણે મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓને સૂચના આપી હતી કે, પદાધિકારીઓ સાથે સમયાંતરે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ. જન ભાગીદારી તથા એકબીજાના સહયોગથી જ સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. જે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે તેવા શહેરોમાં બેડની સુવિધા, ઓક્સિજન, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જકેશન જેવી જરૂરી તમામ સુવિધાઓ વધારવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
આ ઉપરાંત મહાનગરોમાં 45 વર્ષથી વધુ વયના મહત્તમ લોકો રસી મુકાવે તે સુનિશ્ચિત કરવું પડશે. આપણે કોરોનાથી ડર્યા વિના માસ્ક પહેરી, સામાજિક અંતર રાખી સાવચેતી સાથે આગળ વધીશું તો આપણે ચોક્કસ ગુજરાતમાંથી કોરોનાને હરાવીશું તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે કોરોના નિયંત્રણ માટે અનેકવિધ નવા નિર્ણયો કરવામાં આવ્યા છે તેનું સંપૂર્ણ પાલન થાય તે જોવાની જવાબદારી પણ આપણી એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોરોના કાળમાં પ્રજાની વચ્ચે રહીને સેવા કરવાનો પણ મુખ્યમંત્રીશ્રી અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, હાઉસિંગ વિભાગના સચિવશ્રી તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢના મેયરશ્રી, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, અધિકારીઓએ જોડાઇને કોરોનાની કામગીરી અને નિયંત્રણ અંગે ચર્ચા વિચારણા કરી હતી.