
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો અને સિંહણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારી રહ્યા છે અને પશુનો શિકાર કરી રહ્યા છે. ખાંભા પંથકમાં ગઈકાલે એક સિંહણ આવી પહોંચી હતી. ખાંભાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સેકન્ડોમાં સિંહણે તરાપ મારી શિકારને દબોચ્યો હતો. પશુનું ગળું પકડી જમીન પર પછાડ્યું હતું, જેથી તડપી તડપીને બન્ને પશુનાં મોત થયાં હતાં. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સિંહણની લટાર જોવા મળતાં ગ્રામજનોમાં ફફ઼ડાટ ફેલાયો છે. સિંહણે બે પશુનો શિકાર કર્યો હતો. CCTVમાં જોવા મળી રહ્યું છે કે માનવ વસાહતની નજીક દીવાલની બાજુમાં બે પશુ ઊભા હતા. આ દરમિયાન એક સિંહણ ત્યાં આવી પહોંચી હતી. સિંહણે પ્રથમ એક પશુનું ગળું દબોચી એનો શિકાર કર્યો હતો. ત્યાર બાદ ભાગી રહેલા બીજા પશુને પણ પકડી લીધું હતું. બંને પશુ થોડીવાર તડપ્યાં બાદ મૃત્યુ પામ્યાં હતાં.
ચોમાસાની ઋતુમાં સિંહોની અવરજવર વધી જાય છે. આ સમયે તેઓ જંગલ છોડીને ખુલ્લા વિસ્તારમાં વધુ જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ સિંહોની વસતિ અમરેલી જિલ્લામાં નોંધાયેલી છે. ગઈકાલે જ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.