કથિત ભ્રષ્ટાચાર અને સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાડાઓના સામ્રાજ્ય સામે
પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસે આજે જોગીવાડા ખાતે ‘ખાડામાં ખાટલા’ બેઠક યોજી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું
વિરોધ પ્રદર્શન દરમિયાન ખાડાઓમાં ભાજપના ઝંડા ઊંધા લટકાવીને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી

પાટણ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાના કથિત ભ્રષ્ટાચાર અને સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાડાઓના સામ્રાજ્ય સામે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસે આજે જોગીવાડા ખાતે ‘ખાડામાં ખાટલા’ બેઠક યોજી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે નગરપાલિકા સત્વરે જાગૃત થાય અને ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરાવે તેવી માગણી કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓને કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ મુદ્દે કોંગ્રેસે ગંભીરતા દાખવી વિરોધનું આ અનોખું આયોજન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ખાડાઓમાં ભાજપના ઝંડા ઊંધા લટકાવીને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ‘હાય રે ભ્રષ્ટાચાર હાય હાય’, ‘હાય રે ભાજપ હાય હાય’, ‘હાય રે પાલિકા હાય હાય’ અને ‘હાય રે ચીફ ઓફિસર હાય હાય’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી શહેરના રસ્તાઓ સુધારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે ભ્રષ્ટાચાર કરી ખાડા નગરી ઉજાગર કરી છે. તેમણે જણાવ્યું કે ભાજપ એવું કહે છે કે ખાટલા બેઠક… તો આ તમારા ખાડામાં જ ખાટલા બેઠક કરી અનોખો વિરોધ કર્યો છે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી સમયમાં જો ખાડા નહીં પુરાય તો કોંગ્રેસ દ્વારા પાલિકામાં તાળાબંધી કરીને વિરોધ કરી આ ખાડા પુરાવીશું. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે, હજુ બે ઈંચ જેટલો વરસાદ પણ પડ્યો નથી અને શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. તો બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો થવાની સંભાવના સેવાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, અમે તંત્રને જગાડવા માટે ખાડામાં ખાટલા બેઠક યોજી વિરોધ નોંધાવ્યો છે. જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો અમે લોકફાળો ઉઘરાવીને આ ખાડાઓનું પુરાણ કરીશું. ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે, આજે અમે ભાજપના ભ્રષ્ટાચારથી પડેલા ખાડાની ઉપર ખાટલા બેઠક કરી છે. આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જો નહીં થાય તો જરૂર પડે પાલિકાનો ઘેરાવો પણ કરીશું.