
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાથીખણ ગામમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે કોતરમાં ઘોડાપુર આવ્યું હતું. આ સમયે શાળાએથી પરત ફરી રહેલા હોળી ફળિયાના વિદ્યાર્થીઓ કોતરમાં અટવાઈ ગયા હતા. સાપણ નદી પાસે હાજર કેટલાક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને કોતર પાર કરાવી સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. જિલ્લામાં હાલ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આના કારણે નદી-નાળા અને કોતરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દર ચોમાસામાં આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાય છે. નાળાના અભાવે સ્થાનિક રહીશો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને જીવના જોખમે કોતર પાર કરવું પડે છે.