
દ્વારકા જિલ્લામાં ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે. ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામમાં કાસમભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ સરકારી શાળા નજીકના પાણીના ખાડામાં નહાવા પડ્યો હતો. અકસ્માતે ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું.
ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામના 30 વર્ષીય કમલેશભાઈ મોરીએ સંતાન ન થવાની પીડામાં આપઘાત કર્યો છે. તેમણે ઘાસ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના 40 વર્ષીય કૈલાશભાઈ જમરા વાડીના મકાન પાછળના કૂવામાંથી પાણી પીતા હતા. તેઓ અચાનક કૂવામાં પડી જતાં ડૂબી ગયા હતા. તેમના પત્ની રેન્દાબેને પોલીસને જાણ કરી હતી.
દ્વારકાના વરવાળા ગામમાં પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ શખ્સોને પકડ્યા છે. તારમામદ જીવાણી, ઈકબાલ લધાણી, ખીમજી પાણખાણીયા, અશોક ચાનપા, હુસેન જીવાણી અને જયસુખ ઘોઘલીયા પાસેથી રૂપિયા 10,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.