
હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સહકારી જીનથી મોતીપુરા સુધી RCC રોડની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે સર્વિસ રોડ પર ગટરલાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં એક બાઈક ચાલક પડી ગયો હતો. હડીયોલ ગામના 25 વર્ષીય સુરેશભાઈ બાબુભાઈ વાઘેલા પોતાની બાઈક સાથે ખાડામાં પડ્યા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં તેમની બાઈકને પણ નુકશાન થયું હતું. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ, ખાડો ઊંડો છે અને તેમાં વરસાદી પાણી ભરાયેલું છે. રાત્રિના સમયે ત્યાં કોઈ લાઈટ, સાઈન બોર્ડ કે સાવચેતીની વ્યવસ્થા નથી. આવા અકસ્માતો ન બને તે માટે તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાઈન બોર્ડ સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.