
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 7 જુલાઈની રાત્રે ઘરની બહાર સૂતેલા 60 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. વૃદ્ધ જીવાભાઈ દેવીપુજક તેમની બીમાર બહેનની ખબર કાઢીને રાત્રે 8 વાગ્યે ઘરે આવ્યા હતા. તેઓ રોજની જેમ ઘરની બહાર લોખંડના ખાટલામાં સૂઈ ગયા હતા. રાત્રે 11:30 વાગ્યે બૂમાબૂમ સાંભળી તેમના પુત્ર જીતેન્દ્ર બહાર દોડી આવ્યા હતા. તેમણે પિતાને લોહીલુહાણ હાલતમાં જોયા હતા. હુમલાખોરે જીવાભાઈની જમણી આંખ પર, ગાલ પર અને હોઠ પર તીક્ષ્ણ હથિયારથી ત્રણ ઊંડા ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત જીવાભાઈને પ્રથમ સિધ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જીતેન્દ્રભાઈ અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હુમલાનું કારણ અને હુમલાખોરની ઓળખ હજુ સુધી જાણવા મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે.