સરપંચ અને સદસ્યોમાં ઉત્સાહ: જિલ્લાની 110 ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ માટેની પ્રથમ બેઠકનો ધમધમાટ

Spread the love

 

 

જિલ્લાની 110 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે હવે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ સહિતના સભ્યોની પ્રથમ બેઠક 10મી, જુલાઇ અને 11મી, જુલાઇના રોજ યોજવામાં આવનાર છે. તેમાં ડેપ્યુટી સરપંચની વરણી કરવા સહિતના ગામના વિકાસને લઇને નવા નિર્ણયો લેવાની સાથે સાથે બે વર્ષથી નહીં વપરાયેલી ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી તેવા કામોને મંજૂરી સહિતની કામગીરીઓ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે. ત્યારે હાલમાં ડેપ્યુટી સરપંચની પસંદગીને લઇને સદસ્યોમાં લોબિંગ શરૂ થઇ ગયું છે. જ્યારે અમુક ગામોની ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ નહીં બનવા માટે સભ્યોની માગણી કરી રહ્યા છે. છેલ્લા બે કે તેનાથી ઓછા વર્ષથી ગ્રામ પંચાયતોની અટકેલી સામાન્ય ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થતાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્યો ચૂંટાઇ આવ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતનું માળખું કાર્યરત કરવા માટે અને ડેપ્યુટી સરપંચ સહિતની વરણી કરવા માટે ગ્રામ પંચાયતોમાં 10મી, અને તારીખ 11મી, જુલાઇના રોજ પ્રથમ બેઠક યોજવાનો આદેશ વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીશ, આંકડા મદદનીશની અધ્યક્ષતામાં અને તલાટી કમ મંત્રીની હાજરીમાં પ્રથમ બેઠક યોજવામાં આવનાર છે. તેમાં ડેપ્યુટી સરપંચ બનવા માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. જેમાં પેનલ બનાવવામાં આવી રહી હોવાથી સરપંચના પસંદગીના સભ્યને ડેપ્યુટી સરપંચ બનાવવા માટે મથામણની વચ્ચે અમુક ગામોમાં સભ્યોને હાજર રહે તે માટે ગાયબ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે અમુક ગામોમાં ડેપ્યુટી સરપંચનો દાવેદાર સભ્ય ગેરહાજર રહે તેવા કારસો ઘડાઇ રહ્યો છે. ત્યારે તેની વચ્ચે કલોલ તાલુકાના મોખાસણ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ બન્યા છે. ત્યારે ડેપ્યુટી સરપંચ માટે સભ્ય તરીકે ચુંટાયેલા કીર્તિબેન અનિકભાઇ પટેલને ડેપ્યુટી સરપંચ બનાવવા ચૂંટાયેલા સરપંચ સહિતના સભ્યો દબાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ જિલ્લા પંચાયતની પલિયડ સીટના સદસ્ય અનિલ પટેલના ધર્મપત્ની હોવાથી તેઓ પોતાની પત્નીને ડેપ્યુટી સરપંચ બનાવવા તૈયાર નથી. પરંતુ ચૂંટાયેલા અન્ય સભ્યોને ડેપ્યુટી સરપંચનું પદ આપવાની તેમની માંગણી છે. વધુમાં તેઓ ગામના વિકાસમાં આર્થિક, સામાજિક સહિત દરેક ક્ષેત્રે સહયોગ આપવા તૈયાર હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલે જણાવ્યું છે. જિલ્લાની 110 ગ્રામ પંચાયતોમાં ચાલુ સપ્તાહથી જ સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતની બોડી મળી જવાથી સુષુપ્ત બનેલા ગામના વિકાસમાં વેગ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *