
જમાલપુરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં 13 વર્ષની બાળકી સાથે છેડતીનો બનાવ બન્યો હતો.સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ થતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં બે મહિલા શિક્ષક દ્વારા ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.
જમાલપુરની AMCની સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સ્કૂલના જ સંગીતના શિક્ષકે અડપલા કર્યાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ થતા પોલીસે આરોપી શિક્ષક રણછોડ રબારીની ધરપકડ કરી છે. આ શિક્ષક 1998થી સરકારી સ્કૂલમાં નોકરી કરે છે.અસારવા મ્યુનિસિપલ સ્કૂલમાં 21 વર્ષ નોકરી કરી હતી જે બાદ વર્ષ 2019થી જમાલપુરની સ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.શિક્ષક પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે સંગીતના શિક્ષક તરીકે ફરજ આપવામાં આવી હતી.
શિક્ષક સામે થયેલી ફરિયાદમાં માત્ર એક બાળકી સાથે જ નહીં પરંતુ, સ્કૂલમાં અભ્યાસ કરતી અન્ય બાળકીઓ સાથે પણ આ શિક્ષકે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે-સાથે સ્કૂલ બોર્ડ દ્વારા પણ બે મહિલા શિક્ષકની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. જે મહિલા શિક્ષક દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે.અન્ય બાળકીઓના પણ મહિલા શિક્ષક દ્વારા નિવેદન લેવામાં આવશે.
સ્કૂલબોર્ડના સાધનાધિકારી એલ.ડી દેસાઈએ જણાવ્યું કે, સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષકને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સ્કૂલ બોર્ડ દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિ બનાવાઇ છે. જેમાં બે મહિલા શિક્ષક તપાસ કરી 7 દિવસમાં રિપોર્ટ સબમિટ કરશે. રિપોર્ટ આવ્યા બાદ સ્કૂલ બોર્ડ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે.