શહેરમાં ગ્રીન કવર વધારવાના હેતુસર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે AMC દ્વારા 40 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 10.34 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 31 ઓગસ્ટ સુધીમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે પરંતુ, 29.66 લાખ વૃક્ષો વાવવાના બાકી છે. જેથી 45 દિવસમાં આ લક્ષ્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ ઊભા થયા છે.
રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર મિલિયન ટ્રી મિશન હેઠળ શહેરમાં 5મી જૂનથી વૃક્ષરોપણની શરૂઆત કરવામાં આવી છે. જે સ્થળો ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, ત્યાં કમિટીના તમામ સભ્યો સાથે રાઉન્ડ લઈ વૃક્ષારોપણની કામગીરી જોવામાં આવી છે. નરોડાના હંસપુરામાં ગત વર્ષે 25,000 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે 75,000 વૃક્ષ વાવવાના છે જેમાંથી 33,000 વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે.
હાથીજણ મહેમદાવાદ રોડ ઉપર બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યું છે, જેમાં 9,00,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. વિશાળ બાયો ડાયવર્સિટી પાર્કમાં ચાલુ વર્ષે એક લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. વૃક્ષા રોપણ પહેલા જમીનને તૈયાર કરવી તેમાં ખાડા કરવા સહિતની કામગીરી અમે કરી રહ્યા છીએ. જેથી આગામી દિવસોમાં વૃક્ષારોપણ ખુબજ ઝડપથી અને સરળ બનશે. અમે અમારા લક્ષ્યાંક કરતાં વધારે વૃક્ષો વાવી શકીએ તે રીતે આગળ વધી રહ્યા છીએ.
