
ગાંધીનગર એસઓજી પોલીસે પેથાપુર વિસ્તારમાંથી બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી વસંત માણેકલાલ ભાવસાર કોઈ મેડિકલ ડિગ્રી ધરાવતો નથી. તેઓ એલોપેથિક દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતો હતો. આ કાર્યવાહી ગાંધીનગર રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના નિર્દેશ મુજબ કરવામાં આવી. એસઓજી પોલીસ ઈન્સપેક્ટર વી.ડી.વાળાની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી થઈ. આરોપી પેથાપુરમાં જૈન દેરાસર પાસે, કોટ ફળીમાં રહે છે. તેમના મકાનમાંથી રૂપિયા 1,920ની કિંમતની એલોપેથિક દવાઓ મળી આવી છે. પોલીસે યુપીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરની હાજરીમાં તપાસ કરી હતી. આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 હેઠળ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પેથાપુર પોલીસ સ્ટેશન કરશે.