
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમાર (70)ના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. શુક્રવારે બપોરે રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં બીજા આરોપી સાગર નવઘણભાઇ સાવધાર (39)ના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઇડીની ટીમ હવે સાગર સાવધાર પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવશે. સાગર સ્ટેમ્પ પેપર લેવા ગયો હતો, શાંતાબેનના અંગૂઠાને ઓળખી બતાવેલ અને તેનું બોગસ પાન કાર્ડ બનાવ્યું હતું. આ ઉપરાંત તેણે આઈડીએફસી બેંકમાં શાંતાબેનનું ખાતું ખોલાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો. સીઆઇડી આ તમામ સ્થળોએ આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવશે. મોરબીમાં હાલ ચર્ચાનો વિષય એ છે કે શાંતાબેને હાઇકોર્ટ અને મોરબીની કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે તાજના સાક્ષી બનવા માટે તૈયારી બતાવી છે. આ સોગંદનામામાં કોના કોના નામ છે તે જાણવા લોકો ઉત્સુક છે. આ કેસમાં એક તરફ જમીનના મૂળ માલિક અને ફરિયાદીએ 17 લોકોના નામ આરોપી તરીકે સીઆઇડીને આપ્યા છે. બીજી તરફ શાંતાબેને કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ ગુનામાં કોનો શું રોલ છે તેની માહિતી આપી છે. મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનના આ કૌભાંડમાં સીઆઇડીના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.