અમદાવાદમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ.. વટવા વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

Spread the love

 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈ એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગતરોજ અમદાવાદ શહેરમાં સરેરાશ 3.75 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વટવા વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રામોલ, મણિનગરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 28 જુલાઈ સોમવારે પણ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારના 6થી 1 વાગ્યા સુધીમાં શહેરમાં સૌથી વધુ જગતપુર, રાણીપ, વિરાટનગર, ગોતા સહિતના વિસ્તારમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ નોંધાયો છે. આજેપણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં દર સિઝનમાં 35 ઇંચ વરસાદ પડતો હોય છે. અત્યાર આ સિઝનમાં 26 ઇંચ એટલે કે, 71 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સરદાર પટેલ રિંગ રોડ ઉપર ઓઢવથી નિકોલ તરફ જવાના રોડ ઉપર પાણી ભરાયા હોવાના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક કલાકથી વાહનચાલકો રિંગ રોડ ઉપર ફસાયા છે. ઔડા દ્વારા રિંગ રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. સર્વિસ રોડ અને મુખ્ય રોડ ઉપર પાણી ભરાયા હોવાના કારણે થઈને ટ્રાફિકજામ સર્જાય છે. નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજનામાં સતત બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા છે. સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જગતપુર રોડ ઉપર આવેલા સેવી સ્વરાજ ક્લબ નજીક એક ગાય મૃત હાલતમાં પડી છે. કયા કારણોસર ગાયનું મૃત્યુ થયું તેની જાણકારી મળી નથી. ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડથી ગોદરેજ ગાર્ડન સિટી તરફ જવાના રોડ પાસે વૃંદાવન હાઇટ નજીક વરસાદી પાણી ભરાયા છે. વિદ્યાર્થીઓને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે તેવા દૃશ્યો જોવા મળ્યા છે. છેલ્લા એક કલાકથી વરસાદ બંધ હોવા છતાં પણ વરસાદી પાણી હજી ઉતર્યા નથી. શહેરના જગતપુર વિસ્તારમાં આવેલા સેવી સ્વરાજ ફ્લેટની બહાર વરસાદી પાણી ભરાયા છે. સેવી સ્વરાજની ઓફિસ પાસે ખાડા પડ્યા છે અને પાણી ભરાયા છે જેના કારણે વાહનચાલકોને ખ્યાલ આવતો નથી અને વાહનો ખાડામાં પડે છે. શહેરના જગતપુર વિસ્તારમાં, ગોદરેજ ગાર્ડન સિટી અને ત્રાગડ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. શહેરના વિરાટનગર, રામોલ, મણીનગર, ઓઢવ, નિકોલ, શાહપુર શાહીબાગ, અસારવા, જમાલપુર, રાણીપ, ચાંદલોડિયા, ગોતા એસજી હાઇવે, સાયન્સ સિટી, ન્યુ રાણીપ, જગતપુર, વસ્ત્રાપુર, ઉસ્માનપુરા, પાલડી, વાસણા, આશ્રમરોડ, ઇન્કમટેક્સ, વાડજ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. જ્યારે નરોડા, સૈજપુર, એરપોર્ટ, સરદારનગર, કુબેરનગર, કઠવાડા, વટવા, ચાંદખેડા, મોટેરા, સાબરમતી સરખેજ, શ્યામલ, પ્રહલાદનગર આનંદનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *