
અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં 21 જુલાઈના રોજ રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ MD ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘી કાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જ્યારે રવિવારે રાત્રે શાહપુરમાં હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યાના વિરોધમાં અને ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ મૃતક કિશનભાઈના પરિવારજનો જોડાયા હતા. ગત સોમવારે રાત્રિના લગભગ 10 વાગ્યાની આસપાસ દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બદરુદ્દીન અને તેની સાથે લીવઇનમાં રહેતી યુવતી નીલમ પ્રજાપતિએ ઝઘડો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બદરુદ્દીને યુવતીને જોવાની વાતને લઈને કિશન પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કિશનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું દુઃખદ અવસાન થયું હતું.
શાહપુરના લોકોનું કહેવું છે કે, કિશનભાઈ ડ્રગ્સ માફિયાઓ સામે અવાજ ઉઠાવતા હતા, જેના કારણે તેમની ઘાતક હત્યા કરવામાં આવી. કિશનભાઈના ભાઈ અવિનાશ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, “અમારા ભાઈ અવિનાશ કિશનભાઈની આત્માને શાંતિ મળે અને તેમને ન્યાય મળી રહે તે માટે અમે આ મૌન રેલી યોજી છે. એમડી ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે, તેને મારા ભાઈએ અવારનવાર રોક્યો હતો, અને તેના જ લીધે તેની હત્યા કરવામાં આવી છે.” રાત્રે શાહપુરના દિલ્હી ચકલા ભોઈવાડા વિસ્તારથી શરૂ થયેલી આ મૌન રેલીમાં લોકોએ પોતાના ફોનની ફ્લેશ લાઈટ ચાલુ રાખી હતી. રેલીમાં “Say No To Drugs”, “ડ્રગ્સ માફિયા બેફામ”, “ફ્રી અમદાવાદ”, અને “MD ડ્રગ્સ Say No To Drugs” જેવા પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ રેલી શાહપુર મેટ્રો સ્ટેશન પાસે પહોંચી ત્યારે સૌ લોકોએ 2 મિનિટ માટે મૌન ધારણ કરીને કિશનભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સૌ લોકોએ “શ્રી રામ જય રામ જય જય રામ”ની ધૂન ગાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદમાં જવાબદારી નિભાવનાર હિમાંશુ મકવાણાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમને ખ્યાલ પડ્યો કે કિશનભાઈ કોઈ ગેરકાનૂની ડ્રગ્સ વેચનારની સામે લડવાવાળા હતા અને તેમની હત્યા કરવામાં આવી, ત્યારે અમે સમગ્ર કર્ણાવતી, ગુજરાત અને ભારત દેશ માટે એક સંદેશ મોકલવા માગીએ છીએ કે જો આ જનમેદની કિશનભાઈ માટે ભેગી થઈ શકતી હોય, તો આ ડ્રગ્સ માફિયાઓ માટે હરહંમેશ આવી જ જનમેદની અમે લઈને આવીશું, અને આગામી પણ આવા કાર્યક્રમો કરતા રહીશું.”
કિશન શ્રીમાળીના કાકી પન્નાબેન શ્રીમાળીએ જણાવ્યું હતું કે, “મારા છોકરાએ ડ્રગ્સનો વિરોધ કર્યો એટલે એની છરી મારીને દિલ્હી દરવાજા બોલાવીને હુમલો કરવામાં આવ્યો. અમારા પોળના નામે બહારના કેટલાય છોકરાઓ આવીને અમારા છોકરાઓને આવા બધા ધંધા શીખવાડે છે. અમારા મહોલ્લામાં આ ધંધો ચાલે છે એટલે બંધ કરાવવા માટે અમે અપીલ કરીએ છીએ.” સ્થાનિક રહીશ રાજુભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “છેલ્લા 3થી 4 વર્ષથી અહીંયા આ (ડ્રગ્સ) વેચાય છે. પોલીસને પણ જાણ છે, અને આ માણસ જેલમાં પણ જઈને આવ્યો છે. કિશન વિરોધ કરતો હતો અને બોલવાવાળો માણસ હતો એ દુનિયામાંથી ચાલ્યો ગયો. હવે કોણ બોલશે? અમે કંઈ બોલવા જઈએ તો અમારી હાલત પણ કિશન જેવી થઈ જાય. અમારે ત્યાં જે વસ્તુ વેચાય છે તે બંધ થઈ જાય. જે માણસે કિશનને માર્યો છે તેને સજા મળવી જોઈએ. જિંદગીભર બહાર ન આવવા જોઈએ. કાયમી માટે જેલમાં પૂરી દેવા જોઈએ. જો જેલનું પાણી જેવી દાળ ખાવા મળે તો માણસ ગુનો કરતો ભૂલી જાય. અમારા મહોલ્લામાં ડ્રગ્સ વેચાય છે અને લેડીઝ અને જેન્ટ્સ બધા વેચે છે.” કર્ણાવતી મહાનગર બજરંગદળના સંયોજક દિનાકરણ ગ્રામીણીએ જણાવ્યું હતું કે, “ડ્રગ્સ માફિયાઓ સામે લડતા લડતા અમારા કિશન ભાઈનું મોત થયું છે. ઘણી દુઃખદ ઘટના છે, અને આગળ જતાં આવા કિશનભાઈ જેવી ઘટના ન બને તેની માટે અમે આ રેલી યોજી છે.” આ રેલી દ્વારા લોકોએ ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવાની માગ કરી છે.