
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સ્કૂલની બહાર પણ વધુ સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોંગ સાઈડમાં અવરજવર કરતા હોય છે, જેને લઈને આજે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની અનેક સ્કૂલોમાં એવેરનેસ કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજ આપીને નિયમ પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાઈકોર્ટની ટકોર બાદ શહેરના મોટા પાયે રોંગ સાઇડ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનચાલક સામે કેસ કરીને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની ડ્રાઇવ બાદ અનેક વિસ્તારોમાં વાહનચાલકોમાં સુધારો જોવા મળ્યો છે, જેથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલોમાં અવેરનેસ શરૂ કરાઈ છે.
શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા આજે શહેરની અલગ અલગ સ્કૂલોમાં અવેરનેસ કાર્યક્રમની શરૂઆત કરાઈ છે. પોલીસ દ્વારા સ્કૂલની બહાર જ રોંગ સાઇડ અંગે સમજ આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવા તથા પોતાના વાલીઓને પણ પાલન કરાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.