
ગાંધીનગર એલસીબી પોલીસે મેદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દરોડો પાડી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને રૂપિયા 2.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને અમેરિકન નાગરિકોને ડરાવવામાં આવતા હતા.ત્યારબાદ ગિફ્ટકાર્ડ ખરીદી કરાવાતી અને તેના નંબરથી પૈસા હવાલાથી એજન્ટ લેતો હતો.
આરોપીઓ સ્લામલેઇટ કોલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી અમેરિકાના નાગરિકોને મેસેજ અને કોલ કરતા હતા. તેઓ પાર્સલમાં ડ્રગ્સ હોવાની બીક બતાવી લોકોને ડરાવતા અને વોલમાર્ટ જેવા મોટા સ્ટોરમાંથી ગિફ્ટકાર્ડ ખરીદાવતા હતા. આ કાર્ડના નંબરો મેળવી તેઓ પૈસા હવાલા એજન્ટ મારફતે મંગાવતા હતા. હાલ પોલીસે આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં આર્યમાનસિંગ ઉર્ફે ઠાકુર પુષ્યેન્દ્રસિંગ સિંગ (મૂળ ઉત્તરપ્રદેશ), પ્રસાદ ઉર્ફે પપ્પુ તાનાજી ભગત (મૂળ પુણે), સનોજલાલ ઉર્ફે સેન્ડી ક્લીટુસ લોપઝ (મૂળ કેરલા) અને એન્જેલા અરવિંદ ગાયકવાડ (મૂળ મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ કોલ સેન્ટર મહિલા સહિત કુલ સાત સભ્યો ચલાવતા હતા. તેઓ બહારના રાજ્યોમાંથી અંગ્રેજીમાં વાતચીત કરી શકે તેવા લોકોને રાખતા હતા. આરોપીઓ એમેઝોન કંપની મારફતે પાર્સલ મંગાવનાર અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી લેતા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ જિલ્લા-શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર કાર્યવાહી કરવા એલસીબી-2ના પીઆઇને સૂચના આપી હતી.
આ સૂચનાના આધારે એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમે બાતમીના આધારે મેદરા ગામની સીમમાં હડકાઇ માતાના મંદિરની બાજુમાં આવેલ ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ.2,13,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ડભોડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.