
ગુજરાત રાજ્યના નાણાં અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ગોધરા રેલવે સ્ટેશનેથી સામાન્ય મુસાફરની જેમ ટ્રેન પકડી VIP કલ્ચરને નકારવાનો સંદેશ આપ્યો છે. મહીસાગર જિલ્લામાં વિવિધ વિકાસાત્મક અને શાસકીય કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ તેઓ ગોધરા જંક્શન રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
મંત્રી દેસાઈએ કોઈ ખાસ વિઆઇપી વ્યવસ્થા, સુરક્ષા પ્રોટોકોલ કે અધિકારીઓના લાવલશ્કર વિના હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસના સામાન્ય કોચમાં બેસીને વાપી તરફ પ્રયાણ કર્યું હતું. આ અવસરે રાજ્યના શિક્ષણપ્રધાન ડૉ. કુબેરભાઈ ડિંડોર પણ તેમને વિદાય આપવા સ્ટેશન સુધી આવ્યા હતા.
શિક્ષણપ્રધાન ડૉ. ડિંડોરે આ પ્રસંગે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશમાં નેતાઓ ‘વી.આઈ.પી. કલ્ચર’ છોડીને ‘ઈ.પી.પી.– Every Person is Priority’ ના સિદ્ધાંત તરફ આગળ વધી રહ્યાં છે. હવે જન પ્રતિનિધિઓ સામાન્ય જનજીવનનો હિસ્સો બની રહ્યા છે. જનસંપર્ક જ તેમના કાર્યનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહ્યું છે.”
આ ઘટનાએ ગાંધીનગરથી લઈને ગ્રાસરુટ સ્તર સુધી શાસન પર સકારાત્મક સંદેશ આપ્યો છે. લોકશાહીમાં સાદગી જ સૌથી મોટું શક્તિરૂપ છે. જનતાને સાથે રાખીને તેમની જેમ જીવવું એ હવે અમલમાં મૂકાયેલ વિચારધારા બની રહી છે.
રેલવે સ્ટેશન પર ઉપસ્થિત સામાન્ય મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં પણ આશ્ચર્ય અને આનંદ જોવા મળ્યો હતો. લોકોને આશ્ચર્ય થયું કે રાજ્યના મહત્ત્વના મંત્રીશ્રીઓ કોઈ પણ વિશેષ વ્યવસ્થા વિના સામાન્ય ડબ્બામાં મુસાફરી કરી રહ્યાં છે. તેઓ બિલકુલ સરળ અને નમ્ર વ્યવહાર સાથે લોકો વચ્ચે હતા.
આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકશાહી માળખાને મજબૂત બનાવે છે. તે નેતાઓ અને નાગરિકો વચ્ચેના અંતરને ઘટાડી વિશ્વાસનો નવો સેતુ બાંધે છે.