
પાટણ તાલુકા પોલીસે ગેસ સિલિન્ડરોનું ગેરકાયદેસર રિફિલિંગ કરી કાળાબજાર કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ₹2,80,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની ઓળખ ભરતભાઈ કલાભાઈ પરમાર (42 વર્ષ), જયેશભાઈ રામસંગભાઈ ચૌધરી (57 વર્ષ) અને હાર્દિક જીતુભાઈ અશોકભાઈ ભીલ (19 વર્ષ) તરીકે થઈ છે. આ ત્રણેય શખ્સો કોઈપણ પ્રકારના પાસ-પરમિટ કે સુરક્ષાના સાધનો વગર ગેસ રિફિલિંગનું કામ કરતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઇન્ડેન ગેસ કંપનીના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં લોખંડની પાઈપ વડે ગેસ ભરતા હતા. આ રીતે ભરેલા સિલિન્ડરોને તેઓ આર્થિક લાભ માટે કાળાબજારમાં વેચતા હતા. આ પ્રક્રિયા લોકોના જીવ માટે અત્યંત જોખમી હતી.
પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી 40 ગેસના બાટલા (ભરેલા અને અડધા ભરેલા) જેની કિંમત ₹80,000 છે, એક લોખંડની પાઇપ ભુંગળી, 11 ગેસ સિલિન્ડરના સીલ અને 55 ગ્રાહકોના બિલ જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક ટાટા ACE કંપનીનું સફેદ કલરનું છોટા હાથી (નંબર GJ 24 X 3308) જેની કિંમત ₹2,00,000 છે તે પણ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ પાટણ તાલુકા પોલીસ મથકે બી.એન.એસ. કલમ 316(3), 287, 288 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3, 7, 8 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.