અહીંના એક વૃદ્ધ દંપતીએ 10 દિવસમાં કોરોના વાયરસને હરાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વૃદ્ધોની સાથે-સાથે યુવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના સંકટની વચ્ચે મહારાષ્ટ્રના લાતૂરમાંથી એક જોરદાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, 105 વર્ષીય વૃદ્ધ અને તેમના 95 વર્ષીય પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને લાતૂરની વિલાસરાવ દેશમુખ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વૃદ્ધ દંપતિ- ધેનુ ઉમાજી ચૌહાણ અને તેમના પત્ની મોટાબાઈ ધેનુજી ચૌહાણને 25 માર્ચે વિલાસરાવ દેશમુખ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 10 દિવસ સુધી તેમની સારવાર ચાલી.
વિલાસરાવ દેશમુખ હોસ્પિટલના ડો. સુધીર દેશમુખે બુધવારે મીડિયાને જણાવ્યું કે, 25 માર્ચે વૃદ્ધ દંપતિને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અમે તેમની તપાસ કરી, તેમને તે સમયે તાવ અને શ્વાસ લેવાની સમસ્યા હતી. ડો સુધીર દેશમુખે જણાવ્યું કે, વૃદ્ધ દંપતિને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને તેમને સમય-સમયે એન્ટીવાયરલ દવાનો ડોઝ પણ આપવામાં આવી રહ્યો હતો.