ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર આજથી ૧૮ થી ૪૪ વર્ષના નવયુવાનોને કોરોનાની વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. આ વેક્સિન આપવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦ અલગ અલગ સ્થળોએ સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. આજના દિવસમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે હજાર જેટલા નવયુવાનોને રસી આપવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર શ્રી ર્ડા. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. રતનકંવર ગઢવીચારણના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ સ્થળોએ
વેક્સિનેશન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં એસ.એસ.વી. કેમ્પસ, સેકટર- ૨૩,સરદાર પટેલ સ્કૂલ સેક્ટર- ૭, સોરઠ કારડીયા સ્કૂલ સેક્ટર- ૫, ગવર્મેન્ટ સ્કૂલ, સેક્ટર- ૧૫, જૈન દેરાસર, સેક્ટર- ૨૨, ગવર્મેન્ટ સ્કૂલ, સેક્ટર- ૨૮, કેન્દ્રીય વિદ્યાલય નંબર- ૧, સેક્ટર- ૩૦,જીઇબી કોલોની ડિસ્પેન્સરી, કોમ્યુનિટી હોલ, સરગાસણ ગામ અને પ્રાથમિક શાળા, કુડાસણ ખાતે વેક્સિનેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામ વેક્સિનેશન સ્થળો ખાતે અગાઉથી કોવિડ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશન સમયે રજીસ્ટ્રેશનનો એસ.એમ.એસ કે એપોટમેન્ટ લેટર બતાવ્યા બાદ જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાના નક્કી કરાયેલ – ૧૦ સ્થળો ખાતે દરેક સ્થળે ૨૦૦ જેટલા વ્યક્તિને વેક્સિન આપવાની સુવિધા કરવામાં આવી હતી. આજે ગાંધીનગર મહાનગર પાલિકામાં કુલ – ૨૦૦૦ જેટલા નવયુવાનોએ વેક્સિનનો લાભ લીધો છે.