સરકારની કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીના રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા વધારાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૧૦૦ કરોડનું આર્થિક ભારણ થશે કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવા – સુશ્રુષામાં જોડાયેલા રાજ્યના રેસીડેન્ટ તબીબો માટે સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમિત નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે હોસ્પિટલથી જ રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
દર ત્રણ વર્ષે રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે છે તે પ્રમાણે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની જુનિયર ડોક્ટર એસોસીએશન સાથે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ચર્ચા કરી રાજ્યના હજારો કોરોનાના દર્દીઓની સારવારમાં વધુ કાળજી લેવાય તે માટે હકારાત્મક વિચારણાને કરી સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસીડેન્ટ તબીબોના હાલના સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકાનો વધારો કરી સ્ટાઇપેન્ડ વધારવાની મંજૂરી આપી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય થકી રાજ્ય સરકારની કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશ્યાલિટીના તથા જી.એમ.ઇ.આર.એસ. ના રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે. રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા વધારો કરવાના આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૧૦૦ કરોડનું આર્થિક ભારણ થશે.
શ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, આ નિર્ણયથી સરકારી કોલેજોના ૫૭૬૭ તથા જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના ૬૩૪ રેસીડેન્ટ તબીબો મળી કુલ-૬૪૦૧ રેસીડેન્ટ તબીબોને હાલના મળતા સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકાનો વધારો તા. ૧ લી એપ્રિલ, ૨૦૨૧ થી આપવામાં આવશે.
વિપુલ ચૌહાણ