હાલમાં મ્યુકોર માઇકોસિસના કેસ મોરબી જીલ્લામાં સતત વધવા લાગ્યાં છે રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં કોરોના આફત વચ્ચે નવા ‘મ્યુકોર માઇક્રોસીસ’ રોગે ઉપાધી વધારી દીધી છે. કોરોના બાદ ઘણા દર્દીઓને આ ઇન્ફેકશન લાગતુ હોય, છેલ્લા દિવસોમાં સતત વધતાં કેસ વચ્ચે અનેક દર્દીઓ સારવાર લેવા છેક અમદાવાદ જતાં હોવાનું બહાર આવ્યું છે.મોરબી જીલ્લામાં કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી ત્યાં નવી આફતના એંધાણ જોવા મળી રહ્યા છે. આજની તારીખે મોરબી જીલ્લામાં રોજના સરેરાશ 20 જેટલા મ્યુકોર માઇકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાનું હાલમાં ડોક્ટરો પાસેથી જાણવા મળી રહ્યું છે.
અતિ જીવલેણ સાબિત થતો આ રોગ જેટગતિએ મોરબી જીલ્લામાં વધી રહ્યો છે તેવા સમયે ખાસ કરીને કોરોનાની સારવાર મેળવીને જે દર્દીઓ સજા થયેલા છે તેમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા એક માહિનામાં મ્યુકોર માઇકોસિસના લગભગ 400 થી વધુ કેસ મોરબી જીલ્લામાં સામે આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં પણ આ કેસના દર્દી વધી રહ્યા છે. ફંગસના કારણે શરીરના અંગોને જીવલેણ નુકશાન થતું રહે છે. રાજકોટ શહેરમાં કાન, નાક, ગળાના એક-એક ડોકટરને ત્યાં સાત થી આઠ દર્દી નિયમીત નોંધાઇ રહ્યા છે. જો કે સમયસર નિદાન બહુ જોખમ અટકાવી દે છે. છતાં રાજકોટ અને મોરબીની હોસ્પિટલમાં આવા દર્દીની સંખ્યામાં વધારાથી લોકોમાં ચિંતા વધી છે.મોરબી જીલ્લામાં કોરોનાના કેસ છેલ્લા એક મહિનાથી જેવી રીતે આવી રહયા હતા આવી જ રીતે હાલમાં મ્યુકોર માઇકોસિસના કેસ સામે આવવા લાગ્યા છે. છેલ્લા એક જ માહિનામાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં લગભગ 400 થી વધુ મ્યુકોર માઇકોસિસના કેસ સામે આવ્યા હોવાનું મોરબીમાં આવેલ રાધે હોસ્પિટલ વાળા કાન, નાક, ગાળાના ડો. અલ્પેશ ફેફર જણાવી રહ્યા છે. ડો. અલ્પેશ ફેફર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મ્યુકોર માઇકોસિસ આ રોગ કોઇ નવો રોગ નથી તેમજ કોરોનાની જેવો ચેપી પણ નથી જો કે, મ્યુકોર માઇકોસિસના દર્દીઓની સારવાર ઘણી મોંઘી થાય છે અને શરૂઆતના તબક્કે જો તેની યોગ્ય સારવાર કરવાના બદલે સ્ટીરોઇડ જેવી દવા લીધે રાખવામા આવે તો તેના કારણે આ રોગ વધુ વકરવાની શક્યતા હોય છે.
તેમણે વધુમાં કહ્યું છે કે ખાસ કરીને ડાયાબિટીસ તેમજ અન્ય ધરાવતા દર્દીઓ તેમજ કોરોનાગ્રસ્ત થયેલા દર્દીઓ કે પછી કોરોનાની સારવાર લઈને કોરોના નેગેટિવ આવેલા વ્યક્તિઓને મ્યુકોર માઇકોસિસ થવાની શક્યતા વધુ હોય છે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો પહેલા એક વર્ષમાં 10 થી 15 જેટલા કેસ મ્યુકોર માઇકોસિસના આવતા હતા જો કે, હાલમાં કોરોના મહામારી અને બદલાયેલા વાતાવરણના લીધે મોરબી જીલ્લામાં દરરોજના સરેરાશ 20 જેટલા મ્યુકોર માઇકોસિસના કેસ આવતા હોય છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં રોજના 70 થી વધુ મ્યુકોર માઇકોસિસના નવા કેસ સામે આવે છે જેથી કાન, નાક, ગળાના ડોક્ટરોની એક ટીમ બનાવીને રાજકોટ ખાતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોગ એટલી હદે ભયાનક છે કે જો એક વખત શરીરમાં ઘૂસી જાય તો અંગોને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે અને આ ફંગસ (ફુગ) સૌથી વધુ આંખ-કાન અને મગજને અસર કરે છે જો આમાં દર્દી ગફલતમાં રહે તો તેને મોટી કિંમત ચૂકવવી પડે છે અને ખાસ કરીને ડાયાબીટીસના દર્દી કે જેમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેને આ રોગની સામે વધુ સજાગ રહેવું પડશે કેમકે, સારવાર દરમ્યાન એસી વોર્ડમાં રહેવાનુ થયું હોય અને તેમણે સતત ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હોવાથી સુગરનું પ્રમાણ વધી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ રોગ દર્દી ઉપર હાવી થઈ જાય છે.
જે વ્યક્તિને થોડા સમય પહેલા જ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોય અને કોરોનાથી તો તેઓ સાજા થઈ ગયા હોય પરંતુ સાજા થયાના થોડા જ સમયમાં તેમને આંખે ઝાંખપ, માથામાં દુખાવો, નાકમાથી રક્તસ્ત્રાવમ દાંતમાં દુખાવો જેવા લક્ષણ દેખાવા લાગ્યા હોય તો તેઓને એક વખત મ્યુકોર માઇકોસિસ માટે નિદાન કરવી લેવું જોઈએ કેમ કે, પ્રાથમિક તબક્કે મ્યુકોર માઇકોસિસનું ઈન્ફેક્શન થયું છે તેની જાણકારી મળે તો સમયસર સારવાર મળી શકે છે અને આ રોગને જીવલેણ બનતો અટકાવી શકાય છે